મોરારીબાપુ દ્વારા એકત્રીસ લાખ એંશી હજાર ની સહાય

દિહોરની અકસ્માતની ઘટનામાં, લિબિયા અને ઉત્તર પ્રદેશમાં પુર પ્રકોપમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને એકત્રીસ લાખ એંસી હજારની સહાય
ગઈકાલે ભાવનગરથી મથુરા યાત્રામાં સામેલ બસમાં સવાર લોકોને આગ્રા નજીક અત્યંત દુઃખદ અકસ્માત નડયો હતો અને તે કરુણ અકસ્માતમાં ૧૨ લોકોનાં મોત થયાં છે. આ ભયંકર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ( એક લાખ એંસી હજાર )ની સહાયતા રાશિ અર્પણ કરી છે.
કુદરત જાણે હમણાં ઉતર આફ્રિકા પર રૂઠી હોય તેમ મોરક્કોના ભૂકંપના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં લિબિયા ખાતે ભયાનક વાવાઝોડું આવ્યું હતું અને તે સાથે વરસાદને કારણે બે ડેમ તુટી જતાં ૨૦૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૧૦૦૦૦થી વધુ લોકો ગુમ થયેલા છે. આ કરુણ ધટનામાં સહાયભૂત થવા માટે પૂજ્ય મોરારીબાપુએ રુપિયા ૨૫ લાખની સહાય અર્પણ કરી છે. આ રાશિ લિબિયા ખાતે રેડ ક્રેસન્ટ સંસ્થાને સ્થાનિક બેંક ખુલતાં મોકલવામાં આવશે.
આ ઉપરાંત ગત થોડા દિવસોમાં ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર તેમજ અન્ય વિસ્તારોમાં પુરને કારણે 26 લોકોના મૃત્યુ થયા હતાં. આ ઘટનામાં માર્યા ગયેલાઓને સહાયભૂત થવા માટે શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા પાંચ લાખનું અનુદાન અર્પણ કરેલ છે. આમ વિવિધ ઘટનાઓ માં પૂજ્ય બાપુ દ્વારા કુલ મળીને રુપિયા ૩૧,૮૦,૦૦૦ એકત્રીસ લાખ એંસી હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે.
પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી છે.
તેમ તલગાજરડા થી જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવાયું છે
Recent Comments