જામનગરમાં ૩૦ વર્ષના પુત્રનું હાર્ટ એટેકથી મોત થતાં માતાનું હૃદય પણ બેસી ગયું
જામનગર શહેરમાં એક દુઃખદ અને કરુણ ઘટના બની હતી. ૩૦ વર્ષના પુત્રનું હાર્ટ એટેકથી નિધન બાદ માતાનું પણ આઘાતમાં હૃદય બેસી ગયું હતું. શહેરના મહાલક્ષ્મી ચોકમાં પ્રખ્યાત વૈદ્ય નાગજી દેવજી પેઢીમાં ૩૦ વર્ષના વૈદ્યરાજ અજીતભાઈ વલેરાનું દુકાનમાં કામ કરતા સમયે જ કાર્ડિયાકએરેસ્ટ આવતા મૃત્યુ થયું હતું. પુત્રની સ્મશાન યાત્રા નીકળ્યા બાદ થોડી વારમાં માતા ધીરજબેનનું પણ હૃદયરોગથી મૃત્યુ થયુ હતું. જેથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. યુવા વયના લોકોને હવે હાર્ટ એટેક આવી રહ્યો છે. હાર્ટ એટેક હવે યુવાઓના પ્રાણ ભરખી રહ્યો છે.
ત્યારે જામનગરમાં વલેરા પરિવાર પર આભ તૂટી પડ્યુ છે. હાર્ટએટેકથી મૃત્યુ પામેલા પુત્રનો વિયોગ સહન ન કરી શકનારા માતાને પણ હાર્ટએટેક આવ્યો હતો. જામનગરના પ્રખ્યાત વલેરા પરિવારે એકસાથે બે સદસ્યો ગુમાવ્યા છે.બન્યું એમ હતું કે, જામનગરમાં મ્હાલક્ષમી ચોક વિસ્તારમાં આવેલી ૧૦૦ વર્ષ જૂની નાગજીભાઈ વૈદ્યની દવાની પેઢી આવેલી છે. આ પેઢી આયુર્વેદિક દવાઓ માટે પ્રખ્યાત છે. આ પેઢી ચલાવતા વલેરા પરિવારના ૩૦ વર્ષીય યુવાન દીકરા રાજ વલેરા દુકાનનું સંચાલન કરે છે. શનિવારના રોજ બપોરે રાજ વલેરા દુકાનમાં હતા, ત્યારે અચાનક તેમની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો, અને તેમને દુકાનમાં પણ બેઠા બેઠા હાર્ટએટેક આવ્યો હતો.
હૃદય બેસી જતા ગણતરીની મિનિટોમાં રાજ વલેરાનો જીવ ગયો હતો. જુવાનજાેધ દીકરાના મોતના સમાચાર આવતા જ વલેરા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. પરિવાર અને સ્વજનોએ ભારે હૃદયે રાજ વાલેરને વિદાય આપી હતી. પરંતું દીકરાના મોતનો આઘાત સહન ન કરી શકનારા માતા ધીરજબેન વાલેરને પણ હૃદય રોગનો હુમલો થયો હતો. તેમને તાત્કાલિક જામનગરની જીજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, વલેરા પરિવારે ગણતરીના કલાકોમાં પરિવારના બે સદસ્યો ગુમાવ્યા. હાર્ટ એટેક એકસાથે પરિવારના બંને સભ્યોના પ્રાણ ભરખી ગયો. ત્યારે આ સમાચારથી સ્થાનિકોમાં શોકનો માહોલ જાેવા મળ્યો.
Recent Comments