ફરહાન અખ્તરના ડાયરેક્શનમાં ‘જી લે ઝરા’ની લાંબા સમયથી રાહ જાેવાઈ રહી છે. ઝોયા અખ્તર અને રીમા કાગતીએ સ્ક્રિપ્ટ તૈયાર કરી દીધી છે. ફરહાન અખ્તર ડાયરેક્શન કરવા ઉત્સુક છે અને કાસ્ટ પણ નક્કી છે. વર્તમાન સમયમાં એ-ગ્રેડ એક્ટ્રેસ ગણાતાં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ આ ફિલ્મમાં લીડ રોલ માટે નક્કી છે. એક્શન ફિલ્મોના દોરમાં વીમેન સેન્ટ્રિક ફિલ્મને બનાવવા માટે ફરહાને મોટા બજેટની પણ તૈયારી રાખી છે. આટલી બધી પૂર્વતૈયારીઓ છતાં ફિલ્મને ફ્લોર પર લઈ જવાના પ્રયાસ સફળ થઈ શક્યા નથી.
થાકીને આખરે ફરહાન અખ્તરે સ્વીકારી લીધું છે કે, નસીબમાં હશે ત્યારે ફિલ્મ શરૂ થશે. યોગ્ય સમયની રાહ જાેવા સિવાય કોઈ વિકલ્પ નથી. ફરહાન અખ્તરની આ ફિલ્મની કાસ્ટમાં ફેરફાર અંગે અટકળો ચાલી રહી છે ત્યારે ફરહાન અખ્તરે નિખાલસતાથી પોતાની સમસ્યા અંગે વાત કરી છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ફરહાને કહ્યું હતું કે, અમારી સમસ્યા માત્ર ડેટ્સની છે. હોલિવૂડમાં એક્ટર્સની સ્ટ્રાઈક ચાલતી હોવાથી પ્રિયંકાને અસર પહોંચી છે. સ્ટ્રાઈક પૂરી થતાં પહેલાં પ્રિયંકાની તારીખો નક્કી થઈ શકે તેમ નથી અને આ સ્થિતિ ક્યારે સુધરશે તેનો અંદાજ આવતો નથી.
તેથી હવે હું માનવા લાગ્યો છું કે, ફિલ્મનું પોતાનું નસીબ હશે અને તે મુજબ જ તેની શરૂઆત થશે. આ શરૂઆત ક્યારે થાય છે તે હવે જાેવાનું રહે છે. ફિલ્મના કો-રાઈટર રીમા કાગતીએ કાસ્ટમાં ફેરફારની શક્યતા અગાઉ નકારી હતી. ‘જી લે ઝરા’માં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટ યથાવત હોવાનું તેમણે કહ્યું હતું. તેમની ડેટ્સ લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફરહાન અખ્તરે ડાયરેક્ટર તરીકે ૨૦૧૧ના વર્ષમાં શાહરૂખ સાથે ડોન ૨ બનાવી હતી. રણવીર સિંહ સાથે ડોન ૩ની સત્તાવાર જાહેરાત કરતા પહેલા ફરહાને ‘જી લે ઝરા’ને ફ્લોર પર લઈ જવા મહેનત કરી હતી. તમામ પ્રયાસોમાં નિરાશા હાથ લાગતા ફરહાને ડોનની સીક્વલ તરફ નજર દોડાવી અને હવે તેના કારણે ‘જી લે ઝરા’ને ફ્લોર પર જવામાં લાંબો સમય લાગી શકે છે. અન્ય શબ્દોમાં કહીએ તો ત્રણેય લીડ એક્ટર્સને સાથે રજૂ કરવાના આગ્રહે ફિલ્મનું ભવિષ્ય અનિશ્ચિત બનાવી દીધું છે.
Recent Comments