સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આગામી તા.0૧ ઓક્ટોબરથી સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતાને લગતા વિવિધ કાર્યક્રમો અને સફાઈ અભિયાન હાથ ધરાશે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરીમામય ઉપસ્થિતિમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમની શરૂઆત થશે. આ કડીના ભાગ રૂપે સ્વચ્છ ભારત અભિયાન (ગ્રામિણ) અંતર્ગત કાયમી ધોરણે ગ્રામિણ વિસ્તારોમાં ઘન કચરાના વ્યવસ્થાપન માટે ઈ-રીક્ષા દ્વારા કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવા હેતુથી અમરેલી જિલ્લાની ૨૫ ગ્રામ પંચાયતોને શનિવારે જિલ્લા પંચાયત પરીસરમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરીયા અને સાંસદશ્રી નારણભાઈ કાછડીયાના હસ્તે ૨૫ ગામના સરપંચશ્રીને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે ઈ-રીક્ષાની ચાવી અર્પણ કરવામાં આવી હતી.
મહાનુભાવોએ જિલ્લા પંચાયત પરીસરથી લીલી ઝંડી બતાવી આ ઈ-રીક્ષાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના નાના આંકડીયા, સરંભડા, બગસરા તાલુકાના સુડાવડ, મોટા મુંજીયાસર, ધારી તાલુકાના ગોપાલગ્રામ, ભાડેર, જાફરબાદ તાલુકાના કડીયાળી, ભાડા, નાગેશ્રી, હેમાળ, ખાંભા તાલુકાના ખાંભા, કુંકાવાવ તાલુકાના મોટી કુંકાવાવ, અમરાપુર, દેવગામ, નાની કુંકાવાવ, લુણીધાર, ઢૂંઢીયા પીપળીયા, તોરી, લાઠી તાલુકાના ધામેલ, મતીરાળા, ભુરખીયા, લીલીયા તાલુકાના આંબા, લીલીયા મોટા, જાત્રોડા, સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા ગ્રામ પંચાયતના સરપંચશ્રીને ઈ-રીક્ષા અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચયાતના પ્રમુખશ્રી, વિવિધ સમિતિના ચેરમેનશ્રી, ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દિનેશ ગુરવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વસ્તાણી, જિલ્લા પંચાયત, ગ્રામ પંચયાતના સદસ્યશ્રીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments