બોલિવૂડ

નવી પેઢીની ફેશન સેન્સ પર અમિતાભ બચ્ચનનું રમૂજી અવલોકન

દર રવિવારે જલસા ખાતે ચાહકોને મળવાનો નિત્યક્રમ જાળવવાની સાથે અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહેતા હોય છે. તેઓ પ્રવર્તમાન સામાજિક સ્થિતિથી માંડીને સાહિત્ય સુધીના વિષયો પર વાત કરતા હોય છે. તાજેતરમાં અમિતાભ બચ્ચનની કલ્પનાશક્તિનો વધુ એક પરચો મળ્યો છે. જેમાં તેમણે નવી પેઢીની ફેશન સેન્સ પર ટોણો માર્યો છે. અમિતાભ બચ્ચને સોમવારે સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા. જેમાં તેઓ પોતાના ઘરની બહાર પ્રશંસકોનું અભિવાદન ઝીલતા નજરે પડે છે. કેપ્શનમાં તેમણે યુવાનોની ફેશન સેન્સની મજાક ઊડાવી હતી.

તેમણે લખ્યું હતું કે ફોટોગ્રાફ જાેઈ કોઈએ કહ્યું, ભાઈસાહેબ તમારું નાડું લટકી રહ્યું છે. મેં કહ્યું, ભાઈસાહેબ આ નાડું નથી. આજકાલની પેઢીની પેશન લટકી રહી છે. અમિતાભ બચ્ચનની આ કોમેન્ટ પર હજારો રિસ્પોન્સ આવ્યા છે અને તેમના ભાષા વૈભવ અને રમૂજની પ્રશંસા થઈ રહી છે. ઘરની બહાર દર રવિવારે ચાહકોને મળવાના અમિતાભ બચ્ચનના નિત્યક્રમના ૪૧ વર્ષ પાછલા મહિને પૂરા થયા હતા. આ પ્રસંગનો વીડિયો તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. તેમણે આ વીડિયોમાં ચાહકોના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

પાછલા પાંચ દાયકાથી ફિલ્મોમાં અલગ-અલગ પ્રકારના રોલમાં જીવી જનારા અમિતાભ બચ્ચનના ચાહકોમાં ત્રણ પેઢીઓનો સમાવેશ થાય છે. ઘરના વડીલથી માંડીને નાના બાળકો તેમની ફિલ્મ જાેવા ઉત્સુક રહેતા હોય છે. બિગ બી પણ ટેકનોલોજી અને ટ્રેન્ડ સાથે સતત અપડેટ થતા રહે છે. તેમની ફિલ્મોની જેમ સોશિયલ મીડિયા પોસ્ટને જાેવા લાખો લોકો આતુર રહે છે. અમિતાભ બચ્ચન હાલ પોપ્યુલર ટીવી શો કૌન બનેગા કરોડપતિની ૧૫મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. છેલ્લે તેઓ અભિષેક બચ્ચન અને સૈયમી ખેરની ફિલ્મ ઘૂમરમાં સ્પેશિયલ રોલમાં નજરે પડ્યા હતા. ટાઈગર શ્રોફ અને ક્રિતિ સેનનની એક્શન થ્રિલર ફિલ્મ ગણપતમાં અમિતાભ બચ્ચનનો મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૨૦ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ઉપરાંત પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટાણી સાથે કલ્કિ ૨૮૯૮માં પણ તેમનો મહત્ત્વનો રોલ છે.

Follow Me:

Related Posts