શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના ૯૬૦ સભ્યો પણ પ્રોજેક્ટ અમલીકરણ અને દેખરેખમાં સામેલ
ગાંધીનગર તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર) ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની ૮૦ પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોરના અધ્યક્ષ સ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના ૧૧ હજારથી વધુ બાળકોને ટેબ્લેટ આપવામાં આવનાર છે જે પૈકી આજે શિક્ષણમંત્રીશ્રીના હસ્તે ૨૬૦૦ વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે, લોક કલ્યાણનું કાર્ય કરવું એ ભારતીય સંસ્કૃતિના મૂળમાં છે ત્યારે વિદેશમાં બેસીને મૂળ ગુજરાતી શ્રી ભરતભાઈ દેસાઈએ અમરેલી જિલ્લાના વિદ્યાર્થીઓ માટે આપેલા આ યોગદાન બદલ શિક્ષણ વિભાગ તરફથી તેમનો આભાર વ્યક્ત કરી આ વિદ્યા દાનના કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં શરૂ કરેલી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન પોલિસી થકી ધોરણ-૬ થી કોલેજના વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે. ત્યારે આ દીપ શાળા પ્રોજેક્ટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શરૂઆતથી જ એડવાન્સ બનાવવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પ્રાથમિક સરકારી શાળાના વિદ્યાર્થીઓમાં ટેકનોલોજીના માધ્યમથી જ્ઞાન પીરસવા માટે વિદ્યાનું દાન કરવાનું સરહનીય કાર્ય કરવા બદલ શ્રી ભરતભાઈ દેસાઈને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોનું યોગદાન સર્વ શ્રેષ્ઠ છે ત્યારે દીપ શાળા પ્રોજેક્ટ થકી વિદ્યાર્થીઓને ટેકનોલોજીકલ સપોર્ટ સાથે એજ્યુકેશન પૂરું પાડવામાં શિક્ષકોને વધુ સરળતા થશે. એટલું જ નહિ, વિદ્યાર્થીઓ ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગથી પોતાની રુચિ અનુસાર મનપસંદ ક્ષેત્રમાં ઉંડાણપૂર્વક અભ્યાસ કરી શકશે.
સ્ટેમ-આધારિત પ્રવૃતિઓ અને શિક્ષણમાં ટેક્નોલોજીનાં ઉપયોગ(ટેકનો-પેડાગોજી) થકી અમરેલીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનાં હેતુ સાથે આ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. આ પ્રોજેક્ટનું સંપૂર્ણ આર્થિક યોગદાન સંવિદ વેન્ચર્સ દ્વારા પૂરું પાડવામાં આવ્યુ છે. અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા સંચાલિત દીપશાળા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સરકારી શાળાઓમાં ૧૧ હજારથી વધુ બાળકોને ટેબ્લેટ અને વાઈ-ફાઈ જોડાણ વડે શાળાઓને ટેક્નોલોજીથી વધુ સમૃદ્ધ કરીને વિશ્વ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરવાનો છે. એટલુ જ નહિ, સ્ટેમ (STEM) કૌશલ્ય ધરાવતા બાળકોમાં કૌશલ્ય વિકાસના હેતુસર અમરેલીની શાળાઓને પ્રયોગો આધારિત કીટ વડે સંપૂર્ણ સજ્જ એવી સ્ટેમ(STEM) લેબ પ્રદાન કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ હેઠળ, ૨૫૫ શિક્ષકોને ટેબ્લેટ્સના ઉપયોગ, ઈન્ફર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ, સ્ટેમ(STEM)આધારિત પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રના ખ્યાલો પર તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુલક્ષીને વ્યક્તિગત શિક્ષણ આપવા માટે IIT-બોમ્બે દ્વારા સંચાલિત મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOCs) માં પણ તેઓ ભાગ લઈ રહ્યા છે. જાગૃત સામાજિક હોદેદારોની સહભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના ૯૬૦ સભ્યો પણ પ્રોજેક્ટ અમલીકરણ અને દેખરેખમાં સામેલ થઈ રહ્યા છે.
આ કાર્યક્રમમાં દીપ શાળા પ્રોજેક્ટ અંતર્ગત અગાઉ જે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મેળવ્યા હતા તેમણે ટેકનોલોજીની મદદથી થયેલા ફાયદાઓ અને પોતાનામાં આવેલા પરિવર્તન અંગે વિસ્તારપૂર્વક પ્રતિભાવો આપ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ, શિક્ષકો, SMC સભ્યો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments