રાષ્ટ્રીય

મહારાષ્ટ્રના પૂણેમાં ટેંકરની ટક્કરે જુડવા બાળકીના મોત

પપ્પા, જલદી ઘરે ચલોપ પોતાની માતા સાથે બાઈક પર બેસેલી બે જુડવા બાળકીઓ સતત તેના પપ્પાને જલદી જવાનું કહી રહી હતી. આ દરમિયાન જેવો આ પરિવાર ચાર રસ્તા પર પહોંચ્યો કે બે ઘડીમાં સમગ્ર પરિવારનો માળો વીંખાઈ ગયો. બાઈક પર સવાર બંને જુડવા બાળકીના ટેન્કર નીચે કચડાવાથી મોત થઈ ગયા છે. રૂંવાડા ઉભા કરી દેનારી આ ઘટના મહારાષ્ટ્રના પૂણે જિલ્લાની છે.

મહારાષ્ટ્રના પૂણેમાં વિશ્રાંતવાડીના મુકુંદરાવ આંબેડકર ચોક પરથી પસાર થઈ રહેલા પેટ્રોલ ટેન્કરે આ ટુવ્હીલરને ટક્કર મારી હતી. જેમા સાડા ત્રણ વર્ષની બે જુડવા બાળકીઓના ટેન્કરના ટાયર નીચે કચડાવાથી ઘટનાસ્થળે જ મોત થયા. અકસ્માતમાં બાળકીની માતાની હાલત પણ ગંભીર છે અને બાળકીના પિતાને પણ સામાન્ય ઈજા પહોંચી છે. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતને નજરે જાેનાર દરેકના હ્રદય કંપી ઉઠ્‌યા હતા. ઈજાગ્રસ્ત માતાપિતા બંનેને સારવાર માટે ખસેડાયા છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. વિશ્રાંતવાડી પોલીસે આ મામલામાં પ્રમોદ રામલાલ યાદવ (ઉ. ૨૭ વર્ષીય ઉત્તર પ્રદેશ) નામના ટેન્કર ચાલકની અટકાયત કરી છે.

આ અકસ્માત સોમવારે સવારે લગભગ ૫.૫૦ કલાકે થયો હતો. અકસ્માતમાં બે બાળકીઓના મોતની સાથે શહેરમાં ભારે વાહનોની બેદરકારી અને બેરોકટોક સ્પીડનો મુદ્દો ફરી એકવાર સામે આવ્યો છે. અકસ્માતનો ભોગ બનેલી જુડવા બાળકીના નામ સાક્ષી અને શ્રદ્ધા છે. બંને જુડવા હતી અને તેમની ઉંમર સાડા ત્રણ વર્ષની હતી. પુણેના ભોસરી વિસ્તારમાં રહેતા તેના પિતા સતીશ કુમાર ઝા (ઉંમર ૪૦) ઘાયલ થયા હતા. આ અકસ્માતમાં બાળકીની માતા કિરણ સતીશ કુમાર ઝા (ઉંમર ૩૮ વર્ષ) ગંભીર રીતે ઘાયલ છે. આ અકસ્માત બાદ પોલીસે જુડવા બહેનોના મૃતદેહને સસૂન હોસ્પિટલમાં મોકલી આપ્યા છે અને ઘાયલોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ જાેઈને કોઈનું પણ દિલ હચમચી જશે. વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે ટેન્કરે બાઇક પર સવાર બાળકીઓ અને તેમની માતાને કચડી નાખ્યા.

Related Posts