અસત્યમેવ જયતે: જૂઠ્ઠાઓ અને શોષણખોરો જ જીતે છે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર.
અમરેલી અસત્યમેવ જયતે: જૂઠ્ઠાઓ અને શોષણખોરો જ જીતે છે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર……..
આજે દશેરા છે. રામના સૈન્યે રાવણને મારીને રાવણના સૈન્ય પર વિજય મેળવ્યો તેનો દિવસ છે. એટલે એમ માનવામાં આવે છે કે પાપીઓની હંમેશાં હાર થાય છે અને પુણ્યશાળીઓ જીતે છે, કે સારા માણસો કે સજ્જન લોકો સારી જિંદગી જીવે છે અથવા આજે નહિ તો કાલે તેઓ સારી જિંદગી માણશે. મુંડક ઉપનિષદમાંથી ‘સત્યમેવ જયતે’ નામનું સૂત્ર આપણે રાષ્ટ્રીય સૂત્ર તરીકે અપનાવ્યું છે. પણ શું ખરેખર એવું વ્યવહારમાં દેખાય છે ખરું?
ખરેખર તો પાપીઓ, ચોર લોકો, જૂઠ્ઠાઓ, ભ્રષ્ટાચારીઓ, કાવતરાખોરો, હિંસક લોકો, બીજાનું ભયંકર શોષણ કરનારાઓ, યુદ્ધખોર લોકો વગેરે જ જીતે છે એવું વ્યવહારમાં દેખાય છે. એ બધા લોકો પોતાના જીવનમાં લીલાલહેર કરે છે અને જલસાથી જીવે છે. બહુ સારું લાગે છે કે એમ કહેવું કે છેવટે તો સત્ય જીતે છે અને પાપી હારે છે. પણ સવાલ એ છે કે સત્ય ક્યારે જીતે છે? સત્ય તો ત્યારે જીતે છે કે પાપીઓ કે યુદ્ધખોરો જેવા લોકો સમાજમાં ભારે ખાનાખરાબી કરી નાખે છે.
હિંદુ ધર્મનો કર્મનો સિદ્ધાંત આપણને એમ શીખવાડે છે કે દરેકને પોતાનાં ખરાબ કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. આ સિદ્ધાંત પછી આપણને એવું માનવા પ્રેરે છે કે ચોરને કે શોષક માણસને કે જૂઠ્ઠાને એનું ફળ મળવાનું જ છે, અને આ જન્મે નહિ મળે તો આવતા જન્મે એ ખિસકોલી થશે ત્યારે મળશે. આવી બધી માન્યતા નકામી છે. જે છે તે આ જ જન્મમાં છે અને તે જ સત્ય છે. એટલે જે ખાનાખરાબી કરનારાઓ છે તે જલસાથી ન જીવે એવી વ્યવસ્થાઓ કરવાનું મનુષ્યોના હાથમાં છે એ સમજવું જોઈએ. પૂર્વ સાંસદ શ્રી ઠુંમર
સત્ય ખરેખર જીતે છે કે નહિ એનાં કેટલાંક ઉદાહરણો લઈએ:
(1) રામાયણનું યુદ્ધ થયું તેમાં રાવણ હાર્યો, પણ ક્યારે? એક અંદાજ છે કે એ યુદ્ધમાં 3.20 કરોડ લોકો મરી ગયેલા. અને લંકા આખી હનુમાને સળગાવી દીધેલી તે જુદું. મંથરા જ જીતેલી કે નહિ? તેને કારણે તો રામ જેવા ભગવાન રામને પણ 14 વર્ષ વનવાસ વેઠવો પડેલો.
(2) મહાભારતના યુદ્ધમાં આશરે 20 લાખ લોકો મરી ગયેલા, પછી જ કૌરવો હાર્યા હતા. ગરુડ પુરાણ તો મોતનો આંકડો 3.94 અબજ લોકોનો આપે છે!
(૩) બીજું વિશ્વ યુદ્ધ એડોલ્ફ હિટલરે શરૂ કર્યું હતું. તે હાર્યો અને તેણે આપઘાત કર્યો. પણ ક્યારે? આશરે 60 લાખ યહૂદીઓની કતલ થઈ ગઈ અને આશરે 4.5 કરોડ લોકો બેમોત મર્યા પછી જ ને?
(4) દુનિયાભરમાં લાખો લોકોને યાતનાઓ આપનારા, જેલોમાં નાખનારા શાસકો થયા જ છે. સેંકડો ઉદાહરણો મળી આવે છે ઈતિહાસમાંથી એનાં. અને અત્યારે પણ. એ બધા જ વડા પ્રધાન, રાષ્ટ્ર પ્રમુખ, ચાન્સેલર, મુખ્ય પ્રધાન, પ્રધાનો કે સરપંચ જેવા નાના હોદ્દાઓ પર રહીને જલસાથી રાજ કરે જ છે.
રાજકારણમાં તાનાશાહી માટે અસત્ય અને શોષણ એ બહુ મોટાં સાધનો છે એ એક હકીકત છે. જૂઠ્ઠો માણસ રાજ કરે છે એ તો આપણો અનુભવ ક્યાં ઓછો છે? અર્થતંત્રમાં અબજોપતિઓ કેવી રીતે જન્મે છે? તેઓ ગ્રાહકોનું બેફામ શોષણ કર્યા વિના કેવી રીતે અબજોપતિ થઈ શકે? એ બધા ભયંકર જલસા કરે છે કે નહિ? અદાણી હોય કે અંબાણી, તાતા હોય કે બિરલા, જેફ બેઝોસ હોય કે બિલ ગેટ્સ કે જેક મા કે માર્ક ઝુકરબર્ગ; એ બધા મોટા પાયાના ઉદ્યોગો ચલાવે છે અને મોટા પાયે બેફામ શોષણ કરે છે. કોઈ વેપારી સત્ય બોલીને વેપાર કરે એવું ખાતરીપૂર્વક કહી શકાય ખરું? કોઈ સરકારી નેતા કે કર્મચારી કે અધિકારી ભ્રષ્ટાચાર કરતા નથી એમ કેવી રીતે કહેવું? એમનું શોષણ એ શોષણ કહેવાતું નથી પણ એને રોજગારી અને વિકાસનું નામ આપવામાં આવે છે. કરોડોમાં આળોટનારા ફિલ્મ સ્ટાર કે બધા રમતવીરો શોષણખોર વ્યવસ્થાના બહુ લોકપ્રિય કલાકારો છે.
સામાજિક સંબંધોમાં પણ એમ જ બને છે. જૂઠ ચલાવીને કેટલાક લોકો એમ માને છે કે તેમણે બહુ મોટું તીર માર્યું છે. ભયંકર સ્વાર્થ એ જ જીવન છે. કોઈને સત્ય કહેવા માગીએ તો પણ એ સાંભળવા તૈયાર થતા નથી. ભક્તિ માત્ર રાજકારણમાં માણસને અંધ બનાવે છે એવું નથી પણ સામાજિક સંબંધોમાં અને પ્રેમમાં પણ એમ જ બને છે. જેઓ વિલન હોય છે તે જ જીતે છે. ઘણી જૂની હિન્દી ફિલ્મોમાં પ્રેમીઓ મોટે ભાગે આપઘાત કરતા હતા અથવા તેમની હત્યા થતી હતી તે યાદ છે? બીજા પર દાદાગીરી કરનારા કે પ્રેમને નામે બ્લેકમેલ કરનારા લોકો સત્યનો ઠેકો અને અસત્યનો પોટલો ઉપાડી લઈને ચાલે છે.
અનેક એવા એકંદરે સારા લોકો આપણે સમાજમાં જોઈએ છીએ કે જેમણે બીજાને હંમેશાં મદદ કરી હોય તેઓ બેમોત મરે છે અથવા ભારે લાંબી શારીરિક પીડા સાથે મરે છે અથવા બહુ નાની ઉંમરમાં મરી જાય છે અને લુચ્ચાઓ બહુ લાંબું અને તંદુરસ્ત જીવે છે એમ પણ બનતું આપણે નજરે જોઈએ છીએ. નાના લોકો પણ એમનાથી થાય તેટલું નાનું જૂઠ્ઠું અને શોષણ કરે છે. નાના લોકો એટલે નાની ચાલબાજીઓ અને નાનાં કાવતરાં, પણ એ હોય તો ખરું જ.
“સરવાળે, સત્ય જ જીતે છે, આપણે સારું કરીશું તો આપણું સારું જ થવાનું છે, ઈશ્વર ઉપર બેઠો બેઠો બધું જુએ છે અને તે ન્યાય કરશે, એવું બધું માનવું એ આપણા મનને તસલ્લી આપવા સિવાય બીજું કશું નથી. ઈશ્વર શોષણખોર, નાલાયક, જૂઠ્ઠા, નફ્ફટ, નીચ, ચોર, કાવતરાખોર, નરાધમ લોકોને નરકમાં નાખશે એવી બીક પણ સહેજે કોઈનેય નડતી હોતી જ નથી એ એક હકીકત છે. એટલે કાવતરાં અને જૂઠ્ઠાણું એ મનુષ્યની જિંદગીનો અનિવાર્ય હિસ્સો છે અને એ જ મોટે ભાગે જીતતો દેખાય છે”. અસત્યમેવ જયતે એમ જ માનવું અને બાકીની જિંદગી પૂરી કરવી.
“ગાલિબ કહે છે તેમ: હમ કો માલૂમ હૈ જન્નત કી હકીકત લેકિન, દિલકો બહલાને કો યહ ખયાલ અચ્છા હૈ.” વિરજીભાઈ ઠુંમર પૂર્વ સાંસદ ધારાસભ્ય
દશેરા, 2023
Recent Comments