સાવરકુંડલા શહેરમાં દિવાળી તહેવારો એટલે અંધકારને દૂર કરી પ્રકાશના પ્રસારણનો તહેવાર
હવે તમે જ કહેશો કુછ પલ તો ગુજારીએ અપને કુંડલામેં આપડુ કુંડલા રૂડું રૂપાળું કુંડલા
સાવરકુંડલા શહેરમાં દિવાળી તહેવારો ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવાતાં જોવા મળ્યાં. આ વર્ષે દિવાળી પર્વનો માહોલ કંઈક અલગ જ જોવા મળ્યો. સાવરકુંડલા શહેરમાં આ વખતે રેકર્ડ બ્રેક ફટાકડા પણ ફૂટ્યા અને સાવરકુંડલાના પરંપરાગત હર્બલ ફટાકડા ઈંગોરિયાની લડાઈનો માહોલ તો કંઈ ઓર જ હોય માત્ર સાવરકુંડલા જ નહીં પરંતુ અન્ય શહેરોમાંથી પણ આ ઈંગોરિયાની લડાઈ જોવા આવતાં હોય છે. વળી સુશોભન ક્ષેત્રે પણ શહેરનો શણગાર કોઈ મેટ્રોપોલિટન શહેર જેવો જોવા મળેલ
લોકોમાં દિવાળી પર્વનો માહોલ ખૂબ જ ઉત્સાહપૂર્ણ હતો. હા પર્વમાં ક્યાંક આગ લાગવાની બનાવો પણ બન્યા હતાં પરંતુ સાવરકુંડલા નગરપાલિકા તંત્ર ફાયર બ્રિગેડના જવાનો પણ આ માટે ખડેપગે હતાં. દિવાળી પર્વ નિમિત્તે સદભાવના ગ્રુપની એમ્બ્યુલન્સ સેવા પણ સ્ટેન્ડ બાય હતી. તો વળી દિવાળી પછીના એક દિવસ વિશ્રામ હોય લોકોએ નૂતન વર્ષના વધામણા પણ ખૂબ હોંશે હોંશે કર્યાં. પ્રાતઃ કાળથી શહેરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળતી હતી. એ સંદભે અહીં રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરના નજારો તો કંઈક ઓર જ જોવા મળતો હતો. મંદિરના પ્રાંગણમાં બદ્રીનાથની ભાત રંગોળી જાણે ઘેર બેઠા ગંગા એમ ઘેર બેઠા બદ્રીનાથની ઝાંખીના દર્શન કરી લોકો ધન્યતા અનુભવતા હોય તેવું અલભ્ય વાતાવરણ જોવા મળ્યું હતું. તો સાવરકુંડલા શહેર એટલે ખાણીપીણી માટે તો શું કહેવું? લગભગ દસ હજાર કિલો ઊંધિયું સાવરકુંડલા શહેરમાં વેચાયુ હશે. ફરસાણ અને મીઠાઈ માટે પણ લોકો ખરીદી કરવા પડાપડી કરતાં જોવા મળેલ નૂતન વર્ષના દિવસે અહીની મહાદેવ લોજ ખાતે રસથાળ એ પણ ખૂબ વ્યાજબી ભાવની ઓફર હોય લોકો ભોજન માટે પણ પડાપડી કરતા જોવા મળ્યા હતા. તો ભાઈ બીજના તહેવાર નિમિત્તે પણ બહેનોએ પોતાના ભાઈઓને હોંશે હોંશે ભાવથી જમાડતાં જોવા મળેલ
જો કે હવે ઘીમે ઘીમે દિવાળી પર્વ પર બહાર ફરવા જવાનો ટ્રેન્ડ પણ વધતો જતો જોવા મળે છે. તો ઘણી જગ્યાએ સ્નેહ મિલનો યોજાયા. જો કે હવે ઘરે ઘરે શુભેચ્છા પાઠવવાની પરંપરામાં થોડી કમી આવી છે એટલે એનું સ્થાન આવા સ્નેહ મિલનો લે છે એ વાત પણ નોંધનીય છે. મોટાભાગના વેપારી મિત્રો પણ લાભ પાંચમ સુધી પોતાના વ્યવસાયોને લાભ પાંચમથી પુનઃ શુભારંભ કરતાં જોવા મળે છે. એકંદરે દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પર્વ ખૂબ ઉત્સાહ પૂર્વક યોજાયા. જો કે દિવાળી હોય એટલે લોકોને પણ મીઠાઈ ફરસાણ વગેરે વધુ આરોગતા હોય..લોકોમાં થોડાઘણા શરદી ઉધરસ જેવા હળવા દર્દો પણ જોવા મળેલ.
Recent Comments