વર્ષ ૨૦૨૩માં ત્રીજી વખત બ્લોકબસ્ટર ફિલ્મ આપવાના શાહરૂખ ખાનની ઈરાદા સામે શંકા ઊભી થાય તેવો રિસ્પોન્સ ‘ડંકી’ના ટ્રેલરને મળ્યો છે. રાજકુમાર હિરાણીના ડાયરેક્શનમાં બનેલી ‘ડંકી’ના ત્રણ ડ્રોપ અગાઉ રિલીઝ થયા હતા. ચોથા ડ્રોપ તરીકે ફિલ્મનું ટ્રેલર મંગળવારે શેર થયું હતું. આ ટ્રેલરને મિક્સ રિસ્પોન્સ મળ્યો છે. ઘણાં સોશિયલ મીડિયા યુઝર્સને ‘ડંકી’નું ટ્રેલર બોરિંગ લાગ્યું હતું અને ત્યારબાદ ટિ્વટર પર ‘ડિઝાસ્ટર’ ટ્રેન્ડ શરૂ થયો હતો. અગાઉ હિન્દી ફિલ્મોના રોમાન્સ કિંગ તરીકે શાહરૂખ ખાનને ઓળખવામાં આવતા હતા.
જાે કે વધતી ઉંમરને ધ્યાને રાખીને શાહરૂખે રોમેન્ટિક રોલના બદલે એક્શન અવતાર પસંદ કર્યો હતો. ૨૦૧૮ના વર્ષમાં ‘ઝીરો’ના ધબડકા પછી શાહરૂખે પાંચ વર્ષનો બ્રેક લીધો હતો. ૨૦૨૩ના વર્ષમાં ‘પઠાણ’ અને ત્યારબાદ ‘જવાન’માં શાહરૂખે બોક્સઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા. એટલું જ નહીં, રૂ.૧૦૦૦ કરોડનું કલેક્શન મળે તે ફિલ્મને જ સુપરહિટ ગણવી જાેઈએ, તેવો માઈલસ્ટોન બનાવ્યો હતો. વર્ષમાં શાહરૂખની ત્રીજી ફિલ્મ ‘ડંકી’ આવી રહી છે. શાહરૂખ અને રાજકુમાર હિરાણીએ પહેલી વાર ‘ડંકી’માં સાથે કામ કર્યું છે. સ્વાભાવિકપણે આ ફિલ્મ પાસે ઓડિયન્સને ઘણી અપેક્ષાઓ છે, પણ તેનું ટ્રેલર નિરાશાજનક રહ્યું હોવાનો સૂર વ્યપાક બની રહ્યો છે..
ડંકીનું ટ્રેલર જાેયા બાદ નેટિઝન્સે ટિ્વટર (ઠ) પર પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ ટ્રેલરમાં શાહરૂખ ખાનની યાદગાર ફિલ્મો દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગેથી માંડીને વીર ઝારા સુધીના કેરેક્ટર્સની ઝલક જાેવા મળે છે. શાહરૂખની આખી કરિયર એક ટ્રેલરમાં આવી જતી હોવાથી શાહરૂખના ચુસ્ત ચાહકો ખુશ થયા છે, પરંતુ એકંદરે મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. અનેક લોકોને ટ્રેલર બોરિંગ લાગ્યું હતું અને પ્લોટમાં પણ નવીનતા દેખાઈ નથી. ખાસ કરીને ગેરકાયદે ઈમિગ્રેશનના વિષય પર અનેક પંજાબી ફિલ્મો અગાઉ બની ચૂકી છે ત્યારે શાહરૂખની આગામી ફિલ્મમાં નવીનતા શું હશે તેની ચર્ચા શરૂ થઈ છે. ટ્રેલરમાં શાહરૂખને પંજાબી ઉચ્ચારો બોલતાં જાેઈ શકાય છે.
જાે કે શાહરૂખે પરાણે પંજાબી બોલવુ પડ્યું હોય તેવું ઘણાંને લાગ્યું છે. વળી, પંજાબી અને હિન્દીને ભેગા કરીને ભૂલ થઈ હોય તેવું નેટિઝન્સને લાગ્યું છે. ટ્રેલરના કારણે ફિલ્મ માટેની ઉત્સુકતા ઘટી હોવાનો સૂર વ્યાપક થયો હતો. શાહરૂખની ફ્લોપ ફિલ્મ ઝીરોની પણ ઘણાં લોકોને યાદ આવી હતી. ‘ડંકી’ના રિસ્પોન્સમાં શરૂ થયેલી કોમેન્ટ્સ બાદ સોશિયલ મીડિયા પર તેના માટે ડિઝાસ્ટર હેશટેગ ટ્રેન્ડ થવા માંડ્યુ હતું.



















Recent Comments