શુક્રવારે લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના સંસદ સભ્યપદ સંબંધિત એથિક્સ કમિટિનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. ભાજપના સાંસદ વિજય સોનકરે આ અહેવાલ લોકસભામાં રજૂ કર્યો હતો. રિપોર્ટમાં મહુઆ મોઇત્રાને લોકસભામાંથી હાંકી કાઢવાની ભલામણ કરવામાં આવી છે. અહેવાલ રજૂ થતાં જ ગૃહમાં હોબાળો થયો હતો. ટીએમસી સહિત વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારબાદ લોકસભાની કાર્યવાહી બપોરના ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. રિપોર્ટની રજૂઆત બાદ મહુઆ મોઇત્રાએ સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું.તેણે કહ્યું હતું કે “અમને હજી સુધી રિપોર્ટ મળ્યો નથી,” જે થવાનું છે તે બપોરે ૨ વાગ્યા પછી જ થશે..
બીજી તરફ આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને લોકસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, હવે રિપોર્ટ રજૂ કરીને દરખાસ્ત લાવવી યોગ્ય નથી. સાંસદોને રિપોર્ટ વાંચવા માટે સમય આપવો જાેઈએ અને રિપોર્ટ પર વિસ્તૃત ચર્ચા થવી જાેઈએ. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી, સુદીપ બંદોપાધ્યાય સહિત વિપક્ષના સાંસદો લોકસભા અધ્યક્ષને આ મુદ્દે મળ્યા છે. રિપોર્ટ પર કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે, અવિશ્વસનીય રીતે અપૂરતો રિપોર્ટ આપવામાં આવ્યો છે. એવું લાગે છે કે તે રિપોર્ટ રજૂ કરવાની કાર્યવાહી અઢી મિનિટમાં પૂરી કરી દેવાઈ હતી. અન્ય એક સભ્યે કહ્યું કે આ બધું અમને રાજકીય બદલો સૂચવે છે અને ન્યાયિક રીતે ટકાઉ પ્રક્રિયા નથી. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે સંસદને આ હદ સુધી સીમિત રાખવામાં આવી રહી છે.
Recent Comments