fbpx
ગુજરાત

અમદાવાદ અને જામનગર માંથી રૂ. ૯૩ લાખની કિંમતનો કુલ ૧૩,૮૪૯ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્તશંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના ૧૦ નમૂના લેવામાં આવ્યા

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-૨ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના ૧૦ નમૂના લેવામાં આવ્યા હતા. તેમજ આશરે રૂ. ૯૩ લાખની કિંમતનો કુલ ૧૩,૮૪૯ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. કમિશનર કોશિયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર ટીમ દ્વારા બાતમીના આધારે જામનગરના એક ખાનગી મકાનમાં રેઇડ કરવામાં આવી હતી.

આ ઘરમાં ચિરાગભાઈ હરિયાની વગર પરવાને ઘી બનાવી વેચવાનો ગેરકાયદેસર ધંધો કરતા હોવાનું જણાયું હતું. તપાસ દરમિયાન આ ઘરમાં શંકાસ્પદ ઘીનો પેક તથા લુઝમાં જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘીમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે ઘીના ત્રણ નમુનાઓ લેવામાં આવ્યા હતા, જ્યારે બાકીનો આશરે રૂ. ૨.૬૫ લાખની કિંમતનો ૫૩૦ કિ.ગ્રા. શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ ખાતે પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા બે જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

પ્રથમ દરોડામાં બાકરોલના મે. સાર્થક ફૂડ પ્રોડક્ટ્‌સ ખાતે તપાસ હાથ ધરતા પેઢીના માલિક અંકીતભાઈ બારોટની હાજરીમાં જ શંકાસ્પદ “રીધમ પ્રીમીયમ ઘી” અને “વચનામૃત” એવી અલગ-અલગ બ્રાંડના ત્રણ નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો પણ નમૂનો લેવામાં આવ્યો હતો. બીજા કિસ્સામાં દસક્રોઈ તાલુકાના ધામતવણ ખાતે મે. હર્ષ ડેરી ફૂડ પ્રોડક્ટ્‌સ પ્રા. લી. ખાતે પેઢીના માલિક ભરતભાઈ પટેલની હાજરીમાં શંકાસ્પદ “ગોપી શ્રી” બ્રાંડના ઘીના બે નમૂનાઓ તથા તેમાં વાપરવામાં આવેલ ફલેવરનો નમુનો લેવામાં આવ્યો હતો. જ્યારે બાકીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ત્રણ રેડમાં કુલ ૧૦ નમુનાઓ લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ખાદ્ય પદાર્થોનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.

Follow Me:

Related Posts