ઈફ્કો ચેરમેન અને સહકાર અગ્રણી દિલીપભાઈ સંઘાંણીના હસ્તેશ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળી સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો
સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમરેલી નાગરિક બેંક ચેરમેન શ્રી જયેશભાઈ નાકરાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચેરમેન શ્રી જેન્તીભાઈ પાનસુરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીએ અવિરત વિકાસ સાધીને ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી પ્રવૃતિઓને વેગ આપવાનું કામ કર્યું છે. સંસ્થાની સહકારી અને સેવાકીય પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની શ્રેષ્ઠ મંડળીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. સભાસદોનું હિત સર્વોપરીના મંત્ર સાથે કામ કરતી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે કરવામાં આવ્યું હતું. વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીના હસ્તે સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ તકે શ્રી દિલીપભાઈ સંઘાણીએ શ્રી સૌરાષ્ટ્ર મંડળીના ચેરમેનને સહકારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતાં અને સંસ્થાની પ્રગતિ માટે રાજીપો વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમમાં અમર ડેરીના વાઈસ ચેરમેન અને સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી વિશેષ ઉપસ્થિત રહીને સભાસદોને ભેટ આપી હતી અને સંસ્થાની શ્રેષ્ઠ કામગીરી માટે બિરદાવી હતી.
સંસ્થાના ચેરમેન શ્રી અનિલ વેકરિયાએ જણાવ્યું હતું કે, આ સંસ્થાની સ્થાપના વખતથી જ આદરણીય શ્રી દિલીપભાઈ સંઘાણીનું પ્રેરણાત્મક માર્ગદર્શન મળતું રહ્યું છે અને સંસ્થાની વિકાસયાત્રામાં હંમેશા મદદ કરી છે. સંસ્થાના વિકાસમાં સભાસદોનો અનન્ય વિશ્વાસ અને સમર્પણભાવ રહ્યો છે. સંસ્થાની પ્રગતિ સભાસદોને આભારી છે. સંસ્થાના બોર્ડ ઓફ ડિરેકટર્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે આ વખતે સુંદર અને ઉપયોગી ભેટ દરેક સભાસદને આપવામાં આવે અને તેનો શુભારંભ આજે શ્રી દિલીપભાઈ સંઘાણીના વરદહસ્તે કરવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જેન્તીભાઈ પાનસુરિયા, અમરેલી નાગરિક બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ નાકરાણી, અમર ડેરી ડિરેકટર શ્રી રાજેશભાઈ માંગરોળિયા અને સંસ્થાના વાઈસ ચેરમેન શ્રી દિવ્યેશ વેકરિયા ઉપસ્થિત રહ્યાં હતાં. અમરેલી શાખાના ડિરેકટર શ્રી સંજય માલવિયા, શ્રી મુકેશભાઈ કોરાટ, શ્રી દિપકભાઈ ધાનાણી, શ્રી રાકેશ નાકરાણી, શ્રી ધર્મેશ વિસાવળિયા સહિત સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યાં હતાં.
Recent Comments