કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાએ અમરેલી સ્થિતવિદ્યાસભા ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું
ગુજરાત રાજ્યમાં પારદર્શી શાસન વ્યવસ્થા થકી વહીવટી વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે. એટલું જ નહીં પરંતુ નજીકના ભવિષ્યમાં નવી શિક્ષા નીતિના અમલ થકી દેશમાં શિક્ષા ક્ષેત્રે પણ આમૂલ પરિવર્તનો આવશે. કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ અમરેલી સ્થિત વિદ્યાસભા શાળા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતુ. કેન્દ્રીય મંત્રીશ્રીએ વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સના અદ્યતન ભવનની મુલાકાત પણ લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના શિક્ષા ક્ષેત્રમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એ રાજ્ય સરકાર દ્વારા શરુ કરવામાં આવેલ એક ઉમદા પ્રકલ્પ છે. ડિજિટલ અને સ્માર્ટ ક્લાસરૂમ, અદ્યતન અટલ ટિંકરીંગ લેબ (રોબોટિક લેબ), વર્કશોપ રૂમ,કોમ્પ્યુટર લેબ થકી વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ પ્રાપ્ત થશે. વિદ્યાર્થી ધોરણ પ પાસ કર્યા બાદ પ્રવેશ પરીક્ષા પાસ કરીને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ધોરણ ૬માં પ્રવેશ પાત્ર બને છે. આ શાળામાં બહેનો-ભાઈઓ માટે ધોરણ ૬ થી ધોરણ ૧૨ સુધી રહેવા અને જમવાની ઉત્તમ સગવડો નિ:શુલ્ક પૂરી પાડવામાં આવશે. રમત ગમત પ્રવૃત્તિઓ અને સ્માર્ટ ક્લાસની મદદથી પણ શિક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તનનો આ અભિગમ અમલી બન્યો છે. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીઓ અદ્યતન કોમ્પ્યુટર લેબના માધ્યમથી ડિજિટલ શિક્ષા પ્રાપ્ત કરીને ડિજિટલ વર્લ્ડ સાથે કનેક્ટ થશે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે જ્ઞાન શક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થી દીઠ સહાય સ્વરુપે માતબર રકમ ખર્ચ કરવામાં આવશે. અહીં વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ એમ મિશ્ર માધ્યમથી શિક્ષા આપવામાં આવશે. ગણવેશની સાથે પુસ્તકો ઉપરાંત નોટબુક્સ સહિતની સુવિધાઓ વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે.
કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા જણાવ્યુ કે, બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર અને નવીન અભિગમ સાથે નિર્માણ થયેલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરશે, એ અમરેલી માટે આ સૌભાગ્યની વાત છે. શિક્ષા થકી જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. આજે સમગ્ર દેશમાં શિક્ષણ સંસ્થાઓનું બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું થઈ રહ્યું છે. વર્ષ-૨૦૪૭માં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે, જેમાં યુવાઓનો ખૂબ મોટો ફાળો હશે. કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં નવા સત્ર માટે શાળા અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
અમરેલી વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ લોકાર્પણ પ્રસંગે સંસદ સભ્યશ્રી નારણભાઈ કાછડિયા,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા,અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લાના પદાધિકારી શ્રી, વિદ્યાસભા કેમ્પસ સંચાલક શ્રી વસંતભાઈ ગજેરા, શાળાના આચાર્યશ્રી,શિક્ષકશ્રી સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments