fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના જસવંતગઢ ટીંબા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો

 વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી સમગ્ર દેશ સહિત રાજ્યમાં યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ અન્વયે કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલીના જસવંતગઢ ટીંબા મુકામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ સ્થળે આયુષમાન ભવ, પ્રાકૃતિક કૃષિ,  આઈ.સી.ડી.એસ. સહિતના સ્ટોલ દ્વારા યોજનાકીય સહાય અને તેના લાભો વિશે જનજાગૃતિ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ ભારતને વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ બનાવવા માટે સંકલ્પ લીધો હતો.

કાર્યક્રમમાં “મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનાં લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ પ્રાપ્ત થવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાકૃતિક કૃષિ અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની યોજનાકીય સહાયના લાભોનું પ્રતિકાત્મક વિતરણ પણ લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાનાં જન-જન સુધી પહોંચી રહ્યો છે.

‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં કેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, છેવાડાના લાભાર્થીની ઓળખ કરીને તેના સુધી યોજનાકીય સહાય-લાભ પહોંચાડવા માટેના અભિગમ સાથે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. આયુષ્માન કાર્ડ અંતર્ગત રુ.૧૦ લાખની સહાય મળી રહી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના થકી મહિલાઓને રસોઇ બાબતે સરળતા થઇ રહી છે, જે તેમના સમય અને ઉર્જાને બચાવે છે અને તેનો તે સકારાત્મક રીતે ઉપયોગ કરી શકે છે.

વધુમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ કે, એક સમયે પીવાના પાણી, વીજળી સહિતના પ્રશ્નો હતા, જે હવે ભૂતકાળ બન્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના દરેક ક્ષેત્રમાં વિકાસકાર્યો તેજ ગતિથી સંપન્ન થયા છે. વિકાસની આ યાત્રા સતત અને અવિરત આગળ ધપી રહી છે. વર્ષ-૨૦૪૭ સુધીમાં આઝાદીના સતાપ્દી પર્વે વિકસિત ભારત બનાવવાના સંકલ્પને બળ પૂરું પાડી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નમો ‘ડ્રોન-દીદી’નો ખ્યાલ રજૂ કરીને દેશમાં ડ્રોન ઉડાડવાની તાલીમ મહિલાઓને પણ તે માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. 

જસવંતગઢ ટીંબા મુકામે આયોજિત  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ કાર્યક્રમમાં અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પદાધિકારી શ્રી સુરેશભાઈ પાથર ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચ શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ સહિત અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts