“દેશ આખો રામ-મય બન્યો છે ત્યારે “સનાતનનો જયઘોષ” પુસ્તક ભક્તિ ભાવને વધુ તેજોમય બનાવશે”
તારીખ – 18/1/2024 ગુરુવારના રોજ સાંજે સદવિચાર પરિવાર ખાતે આવેલા હોલમાં આધ્યાત્મિક વિચારસરણી ધરાવનાર એવા લેખિકા અને કવયિત્રી બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન ખુબ સુંદર રીતે સંપન્ન થયું .પ્રજ્ઞાચક્ષુ બાળાઓના સ્વરમાં શ્રી ગણપતિ વંદના અને દીપ પ્રજ્જવલિત સાથે કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી.
શ્રી રામના જયઘોષ સાથે આખું વાતાવરણ ભક્તિમય બની ગયું . આ પવિત્ર અને પાવન અવસરે વરિષ્ઠ સાહિત્યકાર પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ,રાજ્યસભાના સાંસદ માનનીય શ્રી નરહરિભાઈ અમીન ,મીરામ્બિકા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને પ્રતિભાવાન વ્યક્તિત્વ ધરાવનાર શ્રી જીગીશાબહેન પટેલ અને અંધજન મંડળના પૂર્વ પ્રીન્સિપાલ અને આદરણીય એવા શ્રી જસુભાઈ કવિએ મંચ શોભાવ્યું .સૌ મહાનુભાવોએ પ્રભુશ્રી રામ અને અયોધ્યા સ્થિત નવનિર્મિત રામમંદિર વિષે ખુબ સુંદર વ્યક્તવ્ય આપ્યું .પદ્મશ્રી વિષ્ણુભાઇએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે આપણી આવનારી પેઢી ભારતીય સંસ્કૃતિથી દૂર જવા લાગી છે ત્યારે , આવા પુસ્તકો તેમને સંસ્કૃતિ સાથે સાચો પરિચય કરાવે છે. તેઓએ શ્રી રામમંદિરના ઇતિહાસ વિષે પણ ઉંડાણપૂર્વક જણાવ્યું .તેઓએ લેખિકા બીનાબહેનને આ પુસ્તક માટે દિલથી શુભકામનાઓ આપી.રાજ્યસભાના સાંસદશ્રી નરહરિભાઈ અમીનને પોતાના જુસ્સાદાર વક્તવ્યમાં જણાવ્યું કે શ્રી રામમંદિર બનાવવા માટે આપણા આદરણીય અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખુબ પરિશ્રમ કર્યો છે . હિન્દુઓના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સુંદર વેળા એ લેખિકાએ સુંદર પુસ્તક સમાજને આપ્યું છે .
રામભક્તોથી ખીચોખીચ ભરેલા હોલમાં ‘ સનાતનનો જયઘોષ’ પુસ્તકના લોકાર્પણ બાદ લેખિકા બીનાબહેને પોતાના મનની વાત કહેતાં જણાવ્યું કે , તેઓએ આ પુસ્તકમાં પ્રભુ શ્રી રામ અને શ્રી રામમંદિર વિષે સરળ અને સાહજિક ભાષામાં સમગ્ર માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે.આજની યુવા પેઢી આ પુસ્તકમાંથી ઘણું બધું જાણી શકશે.પ્રભુ રામના જીવન ચરિત્ર વિષે દરેક પ્રસંગનું વર્ણન કરીને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને સમાજના દરેક સ્તર સુધી પહોંચાડવાની તેઓએ કોશિશ કરી છે.દરેક મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું .તેઓને સુંદર સ્મૃતિચિન્હ આપી અને પ્રભુ રામનું નામ લખેલી શાલ ઓઢાડીને સૌનું સન્માન કરાયું ત્યારે આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો.
આકાશવાણી પ્રસારના પ્રોગ્રામના હેડ શ્રી મૌલિનભાઈ મુનશીએ લેખિકા બીનાબહેનને પુષ્પગુચ્છ અને રામનામની શાલ ઓઢાડીને સન્માન કર્યું . તેવી રીતે જાણીતા મહિલા અગ્રણી આશાબેન પંડ્યાએ પણ પુસ્તક અને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.અંતમાં લેખિકા અને કવયિત્રી એવા બીનાબહેને હિન્દીમાં પોતે રચેલ પ્રસંગને અનુરૂપ કાવ્ય જુસ્સાભેર રજૂ કર્યું .’ મેં ગર્વ સે કહેતી હું , મેં એક રામભક્ત હું ….’આ કાવ્ય સાથે સૌ રામભક્તોમાં ભક્તિની લહેર દોડી ગઈ અને સૌ એક અવાજે બોલી ઉઠ્યા … મેં એક રામભક્ત હું .શ્રી નગીનભાઈ પ્રજાપતિ , અલ્પેશભાઈ શાહ , પ્રદીપભાઈ રાવલ , અરુણાબહેન રાવલ ,રાજેશભાઈ ભોજક તમામ રામભક્તોનું પદ્યશ્રી વિષ્ણુભાઇએ શાલ ઓઢાડીને સન્માન કર્યું .ઉદઘોષક તરીકે સ્થાન શોભાવનાર લેખક શ્રી વિનોદભાઈ પટેલે પોતાની આગવી અને અનોખી શૈલીમાં આખા કાર્યક્રમનું સંચાલન સુપેરે કર્યું.22/1/2024ના પવિત્ર દિવસે અયોધ્યામાં જયારે ,શ્રી રામલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે , બીનાબહેન લિખિત ‘ સનાતનનો જયઘોષ’ પુસ્તક લોકોમાં પ્રભુ શ્રી રામની ભક્તિના જુસ્સામાં વધારો જરૂર કરશે.સૌએ આ સનાતનના વારસા અને સંસ્કૃતિને આવનારી પેઢી સુધી પહોંચાડવા માટે આ પુસ્તકને જરૂર ઘરમાં વસાવવું રહ્યું .
Recent Comments