ગુજરાત

માંડલ મોતિયાના ઓપરેશન બાદ ૨૦ માંથી ૫ દર્દીઓએ કાયમ માટે દ્રષ્ટિ ગુમાવી

અમદાવાદના માંડલમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા બાદ ૨૦ જેટલા દર્દીઓને દ્રષ્ટિમાં તકલીફ થઈ હતી. ત્યારે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. માંડલ મોતિયાકાંડમા સિવિલમાં દાખલ કરાયેલા ૫ દર્દીઓએ કાયમી દ્રષ્ટિ ગુમાવી છે. તો અન્ય ૫ દર્દીઓની સ્થિતિ પણ ગંભીર છે. મોતિયાની સર્જરીમાં ઈન્ફેક્શનની ફરિયાદ બાદ દર્દીઓને ગંભીર ઈન્જેક્શન થયુ હતુ. તબીબોની બેદરકારીને કારણે દર્દીઓએ પોતાની આંખ ગુમાવી છે.

સિવિલ હોસ્પિટલના આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.સ્વાતી રવાનીએ જણાવ્યું કે, માંડલની હોસ્પિટલમાંથી લાવવામાં આવેલા અહી કુલ ૨૦ દર્દીઓ સારવારમાં હતા. હાલ તમામ દર્દીઓની સારવાર શરૂ કરાઈ છે. પરંતુ પાંચ દર્દીઓને ગંભીર ઈન્ફેક્શન થતા તેઓએ દ્રષ્ટિ ગુમાવી છે. તેઓ હવે કાયમ માટે જાેઈ નહિ શકે. તેમની દ્રષ્ટિ પરત આવવાની શક્યતા નહિવત છે. તો ૨૦ માંથી ૨ દર્દી સ્વસ્થ હોવાથી તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ છે. હાલ ૧૩ દર્દીઓની દ્રષ્ટિ ફરીથી કાર્યરત થાય તે માટે અમે પ્રયત્નશીલ છીએ. હાલ તેમના વિશે અમે કોઈ રિપોર્ટ આપી શકીએ તેમ નથી. માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે.

રિપોર્ટમાં જણાવાયું કે, હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું. તેથી ઓપરેશન થિયેટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. આ વિશે આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું કે, અમે બેઝિક માહિતી માટે તરત જ એક કમીટી મોકલી આપી હતી. બીજા દિવસે ૯ સભ્યોની તજજ્ઞ ડોકટરની કમિટી મોકલી હતી. જેમાં મેન પાવરની ક્ષતિ જાેવા મળી, ટેકનિકલ સ્ટાફની અછત પણ હતી. ઓપરેશન થિયેટરમાં પ્રોટોકોલ મુજબ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. તેથી આ ઓપરેશન થિયેટર બંધ કરવા માટે સુચના લેખિતમા આપી હતી. ઉલ્લેખનીય છે કે, માંડલ હોસ્પિટલ વિવાદ મામલામાં ગત રોજ વધુ ૩ દર્દીને આંખની હોસ્પિટલ લાવવામા આવ્યા હતા.

અસારવા આંખની હોસ્પિટલમાં કુલ ૨૦ દર્દી હાલ સારવાર હેઠળ છે, જેઓને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં જાેવાની તકલીફ ઉઠી હતી. રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વરા ચલાવાય છે. આ ઘટના અનેક સવાલો પેદા કરી રહી છે. જેમ કે, આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે, ફેસિલિટીમાં ખામી હતી, કે મેડિકલ સાધનોની સાર સંભાળ નહોતી રખાઈ? આ કિસ્સામાં હજુ સુધી કોઈ પણ મેડિકલ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે. જેથી હેલ્થ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય જીઁ ને હાઇકોર્ટની નોટિસ મોકલી છે.

Related Posts