ડભોડા હનુમાન મંદિરમાં ૧૨૦૦ વર્ષ પછી બપોરે મહાઆરતી થઈ
ગાંધીનગર જિલ્લામાં ભગવાન રામની સામૂહિક આરતી, ગરબાની રમઝટ અને રોશની નાં ઝગમગાટ સાથે ઉજવણીઅયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારે દેશ અને વિદેશોમાં રામભક્તો દ્વારા ગ્રહશાંતિ, મૂર્તિપૂજન, શોભાયાત્રા, ભજન-ધૂન, સુંદરકાંડ પાઠ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ અને શહેરોમાં યોજાઈ રહ્યા છે. ગાંધીનગર શહેર જિલ્લામાં પણ ભાવિકો દ્વારા ધજા – તોરણોથી ઠેર ઠેર સજાવટ કરી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. આજ સવારથી શહેરના મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થઈ ચૂકી છે. ડભોડા હનુમાન મંદિરમાં ૧૨૦૦ વર્ષ પછી બપોરે મહાઆરતી કરવામાં આવી હતી.
ગાંધીનગર સેક્ટર – ૨૯ વંદે માતરમ્ સોસાયટીમાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. સોસાયટીના રહીશોએ ભગવાન રામની શોભાયાત્રા કાઢી શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજા અર્ચના કરી હતી. બાદમાં સૌએ ભગવાન રામની સામૂહિક આરતી ઉતારી ગરબાની રમઝટ બોલાવી હતી.
પૂજ્ય હીરાબાના ઘરે ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હીરાબાના પૌત્ર સચિન અને પૌત્રવધુ ઉન્નતિ એ વિશેષ સજાવટ કરી હતી.
માણસા તાલુકાના રંગપુર ગામમાં પણ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ જાેવા મળી રહ્યો છે. ગામના શ્રી રામજી મંદિરે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
શહેરમાં ઠેર ઠેર શોભાયાત્રાઓ નીકળી હતી. શહેરના સે-૫/ બી ખોડિયાર માતાના મંદિરથી નીકળેલી યાત્રા સેકટર ૫/એ માં શિવશક્તિ મંદિરે પૂર્ણ થઈ હતી. રામ, લક્ષ્મણ જાનકીની ઝાંખી શોભા યાત્રામાં જાેવા મળી હતી. શોભાયાત્રામાં ગાંધીનગર મનપાના મેયર હિતેશ મકવાણા હાજર રહ્યા હતા. મેયરે ભગવાન રામ લક્ષ્મણ જાનકીની આરતી ઉતારી શોભાયાત્રાને વધાવી હતી.
અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વોર્ડ નં- ૧૧ માં ભાટ ખાતે પગપાળા શોભાયાત્રા યોજાઈ હતી. ભગવાન શ્રી રામની આ શોભાયાત્રામાં શહેર અધ્યક્ષ રુચિરભાઈ ભટ્ટ, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, કાઉન્સિલરશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં રામભક્તો જાેડાયા હતા. પ્રભુ શ્રી રામ નિજમંદિરે બિરાજીત થઇ રહ્યા છે, ત્યારે આખો દેશ ‘રામમય’ બની ગયો છે.
દેશ વિદેશમાં સુપ્રસિધ્ધ શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર દ્વારા આજે ભગવાન રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં ૧૨૦૦ વર્ષમાં પ્રથમ વખત ભગવાન રામના માનમાં બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી કરવામાં આવી હતી. મંદિર ખાતે હનુમાન જયતિ અને બેસતા વર્ષના જાહેર તહેવારો સિવાય આજદિન સુધી આડા દિવસે ક્યારેય બપોરની મહાઆરતી ઉતારવામાં આવી નથી. હનુમાનજી મહારાજના ભગવાન રામ માટેની અનેરી ભક્તિમાં ડભોડા હનુમાનજી મંદિરમાં બપોરે ૧૨ વાગે મહાઆરતી કરવામાં આવી હતી, જે એક દુર્લભ લ્હાવો હોવાનુ ભક્તો માની રહ્યા છે. આ સિવાય મંદિર ખાતે શોભાયાત્રા કાઢવામાં આવશે. જેમાં સેંકડો ભક્તો ઉમટી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરાયું છે.
ગાંધીનગર પેથાપુરનાં સ્વપ્ન વિલા-૩ બંગ્લોઝનાં વસાહતીઓ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવી લેવા વહેલી સવારે ભગવાન રામની ધૂન સાથે પ્રભાતફેરી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં આસપાસના વસાહતીઓ પણ જાેડાયા હતા. ગાયનેક ડો. દેવેન્દ્ર ગોસ્વામીએ નિઃશુલ્ક ઓપીડીનો પ્રારંભ કર્યો હતો.
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં આજે રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર દેશ રામમય બની ગયો છે. છેલ્લા ઘણા વખતથી દેશવાસીઓ જે ઘડીની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા એનો અંત આવી ગયો છે. રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સરકારી નગરી ગાંધીનગર પણ રામમય બની ગયું છે.
આજે સવારથી રામ ભક્તોની મંદિરોમાં મોટી ભીડ ઉમટી પડી છે. રાયસણ સ્થિતિ પંચેશ્વર મંદિરનાં સાનિધ્યમાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો વહેલી સવારથી પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં સવારે ૬.૩૦ કલાકે પ્રાતઃ આરતીની સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થયો છે. જે પછી સવારે ૭ કલાકથી યજ્ઞ યોજાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ પૂજન વિધિનું મોટી એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગાંધીનગર બાર અને ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશન દ્વારા પણ આજે સોમવારે કોર્ટ ખાતે શ્રી રામ, લક્ષ્મણ,જાનકી અને હનુમાનજીનાં ફોટાનું સ્થાપન કરવામાં આવશે. બીજી તરફ સેકટર – ૭ ભારત માતાના મંદિર ખાતે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
ગાંધીનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉપલક્ષમાં શહેરના તમામ મંદિરોમાં પ્રસાદ વિતરણ કરવાના છે. જે અંતર્ગત છેલ્લા કેટલાક દિવસોથી સેકટર – ૨૨ જૈન તીર્થ દેરાસર ખાતે પ્રસાદ નિર્માણ અને પેકિંગનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં રામ ભક્તોએ સ્વૈચ્છિક શ્રમદાન કર્યું હતું. એજ રીતે શહેરનાં મંદિરોમાં રામધૂન પૂજા અર્ચના સહીતના ધાર્મિક કાર્યક્રમોનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગાંધીનગર સેકટર – ૨૨ ખાતે ગાયનેક ડો. દેવેન્દ્ર ગોસ્વામીએ પોતાના નેહા નર્સિંગ હોમ ખાતે સવારના ૯ થી ૧ કલાક દરમ્યાન ઓપીડી કન્સલ્ટિંગ ફ્રી કરી હતી.
Recent Comments