fbpx
અમરેલી

સાવરકુંડલા શહેર માટે ગઈકાલનો દિવસ સંપૂર્ણ રામમય વિત્યો. લોકોએ દિવાળી કરતા પણ ચડિયાતી ભાવના સાથે પૂરા ઉત્સાહ

સાવરકુંડલા શહેરમાં ગતરોજ હિંદુ સેના તથા સમગ્ર હિંદુ સમાજ દ્વારા અહી રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે સાધુ સંતો તથા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા ભાજપ પરિવારની પ્રેરક ઉપસ્થિતિમાં મહા આરતી અને આતશબાજીનો ભવ્ય કાર્યક્રમ શહેરની વિશાળ જનમેદની વચ્ચે યોજાયો. સાવરકુંડલા શહેરને પણ અયોધ્યા માફક શણગારવામાં આવેલ. ઠેર ઠેર આતશબાજી ધજા પતાકા, લાઈટીંગ દીવડાથી શણગારવામાં આવેલ શહેરના અનેક વિસ્તારોમાં વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો યોજાયા હતાં.

આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ તેના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે સૈકાઓના સંઘર્ષ અને બલિદાન બાદ આજે અયોધ્યા ખાતે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થયાં જેનો આનંદ સાવરકુંડલાના નગરજનોમાં છલકાઈ રહ્યો છે ત્યારે એમણે એમ પણ જણાવ્યું હતું કે આવો માહોલ સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્યાંય જોવા નહીં મળ્યો હોય તેમ લોકો સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને આ ઉત્સવને દિવાળી કરતા પણ ચડિયાતી રીતે ઉજવતા જોવા મળેલ. પોતે ચૂંટણી સમયે આપેલ વચનોમાં નવલગંગાને ફરી પુનઃ પાણીથી ખળખળ વહેતી કરવા અને એ નવલગંગાને તિરે સરયૂ અને ગંગા માફક નિત્ય આરતી થાય એવું સપનું સાકાર કરવા પ્રભુ શ્રી રામને અરજ પણ કરી હતી.

સાવરકુંડલાના નગરજનોને સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે નીતિમત્તાના શ્રેષ્ઠ આયામો  સાથે જીવનપથનો શ્રેષ્ઠતમ માર્ગ પ્રશસ્તિત કરે એવી પણ ભગવાન શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી. સાવરકુંડલા શહેરનો આજનો રેકોર્ડબ્રેક જનમેદનીના માહોલ એ પ્રભુ શ્રી રામમાં લોકોની અનન્ય શ્રધ્ધા દર્શાવે છે. આજરોજ શહેરના રસ્તાઓ પણ લોકમેદનીથી છલકાઈ ગયા હતા. પરિણામ સ્વરૂપે માત્ર પગપાળા ચાલી  શકે તેવી વ્યવસ્થા રિધ્ધિ સિધ્ધિ ચોક આસપાસના રસ્તાઓમાં કરવામાં આવી હતી.વાહનો માટે આ વિસ્તાર એકાદ કલાક કરતાં વધુ સમય સુધી બ્લોક કરવામાં આવેલ. ટ્રાફિક નિયમન અને કાયદો વ્યવસ્થાનો ચુસ્ત બંદોબસ્ત સાવરકુંડલા ડીવાયએસપી હરેશ વોરાના સંપૂર્ણ સીધા માર્ગદર્શન હેઠળ ગોઠવાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્યે શહેરની કોમી એકતા અને ભાઈચારાની ભાવનાની પણ ભારોભાર પ્રશંસા કરી હતી. મુસ્લિમ સમાજ તરફથી પણ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાય એટલા માટે પૂર્ણ સહયોગ આપ્યો તેને પણ તેમણે ખુલ્લા મને જાહેરમાં બિરદાવી હતી. એકંદરે જોતાં  સાવરકુંડલા શહેરમાં  એક નવા યુગનો પ્રારંભ થયો હોય તેવું જણાતું હતું. આ પ્રસંગે સાવરકુંડલાના એક ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ મંદિરની પ્રતિકૃતિને પણ બિરદાવી તમામને અભિનંદન પાઠવ્યા હતા. સાવરકુંડલા શહેર હવે જાણે રામરાજ્ય બનવા જઈ રહ્યુ હોય તેવો અહેસાસ પણ લોકહ્રદયમાં સ્થાપિત થયો  હોય તેવું વાતાવરણ સર્જાતુ જોવા મળ્યું હતું.. સાવરકુંડલા શહેરનો રિધ્ધિ સિધ્ધિ ચોકનું આસમાન આતશબાજીથી ચમકી ઉઠ્યુ હતું. સાવરકુંડલા ખાતે દેવળા ગેઇટ ચોક ખાતે પણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ સમિતિ દ્વારા મહા આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આમ ગઈકાલનો  દિવસ એક નવા યુગના પ્રારંભ સમાન વ્યતીત થયો.

Follow Me:

Related Posts