fbpx
અમરેલી

જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને બાબરાખાતે અમરેલી જિલ્લા કક્ષાના ૭૫માં ગણતંત્ર દિનની ઉજવણી સંપન્ન

અમરેલી જિલ્લાકક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વ-દિનની ઉજવણી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને બાબરા સ્થિત કમળશી હાઇસ્કૂલ ખાતે સંપન્ન થઈ હતી. જિલ્લા કલેકટરશ્રીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે માર્ચ પાસ્ટ અને પોલીસ પરેડ યોજવામાં આવી હતી.

     જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યુ કે, લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી ગરિમાપૂર્ણ શાસન વ્યવસ્થાથી લોકશાહી ગૌરવવંતી બની છે. વિકાસના ગ્રોથ એન્જિન બનેલા ગુજરાતમાં રાજ્ય સરકારે જન સામાન્ય, ગરીબ, વંચિત પીડિત, ખેડૂતો, યુવા, મહિલા સહિત તમામ માટે વિવિધ યોજનાઓ અમલી કરી છે. છેવાડાના લાભાર્થી સુધી વિવિધ સરકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને વિવિધ સરકારી કચેરીઓની કામગીરી અને સિદ્ધીઓની વિગતો વિસ્તૃત રીતે જણાવી હતી.

      ઉલ્લેખનીય છે કે, જિલ્લાના તમામ બંદરો પર માછીમારો માટે ગત વર્ષે ૩૨.૩૧ લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. ૧ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લાના ૩,૧૪૦ તીવ્ર દિવ્યાંગોને રોજગારલક્ષી સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી જિલ્લો ખેતીપ્રધાન જિલ્લો છે, જિલ્લાના ૨,૩૦,૯૧૫ ખેડૂત લાભાર્થી પરિવારને અંદાજે રુ. ૪૮૧ કરોડની સહાય ચૂકવવામાં આવી છે. અનેકવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે જિલ્લા પોલીસ તંત્રએ સતત કામગીરી કરી છે, સુરક્ષા વ્યવસ્થા બાબતે પણ કામગીરી સફળ રીતે કરવામાં આવી છે. પીએમ-જનમન અંતર્ગત જિલ્લાના આદિમ જૂથના નાગરિકોને પણ વિવિધ સહાય ચૂકવવામાં આવી છે. અમરેલી એ.આર.ટી.ઓ દ્વારા ટ્રાફિક અવેરનેસ માટે અભિયાન સ્વરુપે કામગીરી હાથ ધરવામાં આવી છે.

    કાર્યક્રમમાં લાઠી-બાબરાના ધારાસભ્યશ્રી જનકભાઈ સહિતના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓના હસ્તે જિલ્લાની જુદી-જુદી કચેરીઓમાં ફરજ બજાવી ઉત્કૃષ્ટ કામગીરી કરતા અધિકારીશ્રીઓ અને કર્મચારીગણનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રેષ્ઠ પરેડ, ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરનાર જૂથને પ્રમાણપત્ર અને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  જિલ્લા કલેકટરશ્રીના હસ્તે લાઠી-બાબરાપ્રાંત અધિકારીશ્રીને બાબરા તાલુકાના વિકાસ માટે  રુ.૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.

    જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આત્મા પ્રોજેક્ટ, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ, આઇ સી ડી એસ, શિક્ષણ, સામાજિક વનીકરણ, આરોગ્ય, ૧૦૮ સેવા, ખિલખિલાટ, સખી વન સ્ટોપ સેન્ટર,આત્મા સહિતની કામગીરીની ઝાંખી કરાવતા ટેબ્લોનું નિદર્શન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું.  કલેકટરશ્રીએ, બાબરાના વતની અને સ્વાતંત્ર્ય સેનાનીશ્રી ઉમંગરાય છાટબારનું સુતરની આંટી દ્વારા સન્માન કર્યુ હતુ. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કૃતિઓ રજૂ કરવામાં આવતા તેમને પુરસ્કારોથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ડ્રોન-દીદી અંતર્ગત તાલીમ પ્રાપ્ત કરેલ તાલીમાર્થીએ ડ્રોન ઉડાડીને ડ્રોનનું નિદર્શન કર્યુ હતુ  સમગ્ર કાર્યક્રમનું સફળ રીતે સંચાલન શ્રી પ્રકાશ જોષીએ કર્યુ હતુ.

    જિલ્લા કક્ષાના ૭૫મા પ્રજાસત્તાક પર્વ ઉજવણી કાર્યક્રમમાં લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અને સદસ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંઘ, લાઠી-બાબરાના પ્રાંત અધિકારીશ્રી સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ સહિત મહાનુભાવો, વિદ્યાર્થીગણ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts