ગુજરાત પોલીસ તમને હેરાન કરતી હોય તો મહારાષ્ટ્ર રાજ્યમાં કેસ દાખલ કરો ગુજરાત પોલીસ દ્વારા મહારાષ્ટ્રની હદમાં લીકર અને વાઇન શોપ ધરાવતાં વેપારીઓને હેરાન કરવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે આ રિટ પિટિશનને રદબાતલ કરતાં આદેશ કર્યો છે કે, ‘આ પ્રકારની દાદને મંજૂરી આપી શકાય નહીં. જાે કોઇ વાઇન શોપ્સના માલિક વિરુદ્ધ પોલીસ દ્વારા ખોટાં કેસ કરીને એને હેરાન કરવામાં આવે તો એ વ્યક્તિગત રીતે કાયદા મુજબની કાર્યવાહી કરીને રાહત મેળવી શકે છે.
પરંતુ આ રીતે જાહેરહિતની રિટમાં તમામને સાગમટી રાહત મળી શકે નહીં.’ હાઇકોર્ટે કેસની સુનાવણી દરમિયાન અરજદારને સવાલ કર્યો હતો કે,‘તમે કોણ છો?’ અરજદારે કહ્યું હતું કે,‘અમે એસો.ના પ્રેસિડેન્ટ છીએ.’ ત્યારે કોર્ટે સવાલ કર્યો હતો કે,‘તમે મહારાષ્ટ્રમાં રહો છો તો શા માટે ગુજરાતમાં જાહેરહિતની અરજી કરી. જાે તમને હેરાન કરવામાં આવતાં હોય તો મહારાષ્ટ્ર રાજ્યમાં કેસ દાખલ કરો. એસો. દ્વારા રિટ કરવામાં આવી છે અને પોલીસની કોઇ ચોક્કસ કાર્યવાહીને પડકારવામાં આવી નથી. તેથી આવા કિસ્સોમાં ‘બ્લેન્કેટ રિટ મેન્ડેમસ’ ઇસ્યૂ કરી શકાય નહીં.
તમે વાઇન શોપ ઓનર્સ એસોસિએશન છો. તમે પિટિશનમાં એસોસિએશન તરીકેના રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ કેમ રજૂ કર્યું નથી. માત્ર પ્રેસિડેન્ટને રિટ ફાઇલ કરવા મળેલો ઠરાવ રજૂ કર્યો છે.’ મહારાષ્ટ્રના પ્રોગ્રેસિવ રિટેઇલ લીકર વેન્ડર્સ દ્વારા આ મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. ગત વર્ષે પણ આ જ મુદ્દે તેમણે રિટ પિટિશન કરી હતી જે પરત ખેંચી લેવામાં આવી હતી. આ રિટમાં મુખ્યત્વે એવી દાદ માગવામાં આવી હતી કે,‘અરજદારો મહારાષ્ટ્રની હદમાં વાઇન શોપ્સ ધરાવે છે અને તેમ છતાંય ગુજરાત પોલીસ દ્વારા બુટલેગર્સની જુબાનીના આધારે તેમને હેરાન કરવામાં આવે છે અને તેમની વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં આવે છે. તેમની વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળની કાર્યવાહી કરવામાં આવતાં તેમના ધંધા-વેપારને મોટું નુકસાન પહોંચે છે અને તેમની પ્રતિષ્ઠા પણ ખોરવાય છે.
ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી ગેરકાયદેસર રીતે અહીં દારૂ ઘૂસાડવામાં આવે છે એમાં મહારાષ્ટ્રની બોર્ડરથી પણ માલ આવે છે. તેવા કિસ્સામાં જેઓ ગેરકાયદેસરના ધંધામાં સામેલ નથી એવા જેન્યુઇન વેપારીઓને ગુજરાત પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. તેથી આ પ્રકારની પોલીસ કાર્યવાહી કાયદાકીય ક્ષેત્રની બહારનો વિષય હોઇ તેના પર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવો જાેઇએ.’જાેકે હાઇકોર્ટે આ પ્રકારનો સીધેસીધો કોઇ આદેશ કરી ન શકાય અને રિટ સંપૂર્ણપણે અર્થહીન હોવાનું નોંધી તેને રદ કરી છે.
Recent Comments