fbpx
અમરેલી

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત અંદાજે રુ.૮૫ લાખના ખર્ચે જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)ના અદ્યતન સુવિધાસભર ભવનનું નિર્માણ થયું

સમગ્ર દેશમાં શિક્ષણ ક્ષેત્રે હકારાત્મક પરિવર્તન લાવવા ભારત સરકાર પ્રયત્નશીલ છે, સમગ્ર દેશમાં નવી શિક્ષા નીતિનું અમલીકરણ થઈ રહ્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન અને પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા મુકામે નવનિર્મિત જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)નો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો.

          સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જામકા મુકામે રુ. ૮૫ લાખના ખર્ચે જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)ના અદ્યતન સુવિધાસભર ભવનનું નિર્માણ થયું છે. શાળાના આ નવનિર્મિત ભવનમાં સાયન્સ લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, ડિજટલ શિક્ષા માટે સ્માર્ટ ક્લાસ સહિતની અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સ્માર્ટ ક્લાસરૂમ થકી ડિજિટલ શિક્ષા પણ પ્રાપ્ત થાય તેવા ઉમદા પ્રયત્નો ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પીએમ શ્રી સ્ટેટસ ધરાવતી શાળાઓમાં બાળકોને સ્માર્ટ ક્લાસરુમની સુવિધા સાથે ઉત્કૃષ્ટ ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

      ખાંભા તાલુકાના જામકા મુકામે નવનિર્મિત જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)ના ઉદ્ધાટન પ્રસંગે કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે,  ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ અમલી બનાવવામાં આવી છે. આ નવી શિક્ષા નીતિ આપણા નવા ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે, નવી નીતિમાં માતૃભાષામાં શિક્ષણ આપવાની હિમાયત કરવામાં આવી છે.

      કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ, ગુજરાત સરકારને શાળાના અભ્યાસક્રમમાં શ્રીમદ્ ભાગવત (ગીતા જ્ઞાન)નો સમાવેશ કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે ગીતાજ્ઞાન પણ મળી રહે તે ઉમદા બાબત છે. કેન્દ્રીય મંત્રી શ્રીએ સાંસદ ખેલ અને સાંસદ કલા સ્પર્ધાઓ વિશે વિગતો જણાવી હતી. જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)ના નવા બિલ્ડિંગના ઉદ્ધાટન પ્રસંગે શાળાના શિક્ષકો, ગ્રામજનોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજુલા-જાફરાબાદ ધારાસભ્ય શ્રી હિરાભાઈ સોલંકીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

      ખાંભા તાલુકાના જામકા મુકામે નવનિર્મિત શ્રી જામકા પ્રાથમિક શાળા (પીએમ શ્રી સ્કૂલ)ના ઉદ્ધાટન પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા,  ઇફ્કો ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી,  અમર ડેરી ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, જિલ્લા અને તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જામકા ગ્રામ પંચાયત સરપંચશ્રી, સભ્યશ્રીઓ,  જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મિયાણી, જામકા ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી શ્રી, શાળાના આચાર્ય શ્રી અને શિક્ષકશ્રીઓ, બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts