૨૬ વર્ષ જૂના કોર્ટ કેસનું અમરેલી ખાતેની લોક અદાલતમાં સુખદ સમાધાન
ભારત દેશની પ્રથમ લોક અદાલત યોજવાનું શ્રેય ગુજરાત રાજ્યને જાય છે. દેશની પ્રથમ લોક અદાલત ગીર સોમનાથ (ત્યારે જુનાગઢ) જિલ્લાના ઉના મુકામે સન ૧૯૮૨ના વર્ષમાં યોજવામાં આવી હતી. પ્રથમ લોક અદાલતનું આયોજન થયું ત્યારથી આજદિન સુધી ન કોઈની જીત, ન કોઈની હાર… થોડી બાંધછોડ-સુખદ સમાધાનની વિચારધારા ચરિતાર્થ થતી જોવા મળી રહી છે. લોક અદાલતની આ જ શૃંખલામાં તાજેતરમાં યોજાયેલી નેશનલ લોક અદાલતમાં વધુ એક કડી ઉમેરાઇ છે. એડીશનલ સિનીયર સિવિલ કોર્ટ, અમરેલી ખાતે સન ૧૯૯૭ની સાલથી એટલે કે ૨૬ વર્ષથી ચાલી રહેલ એક સિવિલ કેસમાં સમાધાન થતાં એક લાંબા ભાગીદારી વિવાદનો સુખદ અંત આવ્યો હતો.
વિગતો મુજબ અમરેલી શહેર ખાતે રહેલી એક ભાગીદારી પેઢીનાં એક ભાગીદારે વર્ષ ૧૯૯૭ની સાલમાં અમરેલી કોર્ટમાં દાવો કરી, ભાગીદારી પેઢીનું વિસર્જન કરવા અને નફા-નુકશાનની તમામ ભાગીદારો વચ્ચે સરખે ભાગે વહેંચણી કરવા દાદ માંગી હતી. આ દાવો સતત ૨૬ વર્ષથી લડાયો હતો, તેમાં અમુક પક્ષકારો મરણ પણ પામ્યા હતા. તેમ છતાં યેનકેન પ્રકારે આજદિન સુધી તેનો નિકાલ આવતો ન હતો. આ બાબત એડીશનલ સિનિયર સિવિલ જજ શ્રી ડી.પી.ઓઝા સાહેબના ધ્યાન પર આવી હતી. તેઓએ દાવાનાં પક્ષકારો અને બંને પક્ષના વકીલશ્રીઓ સાથે સતત ચર્ચા વિચારણા કરી હતી. દાવાનાં વિવાદને સુખદ નિરાકરણ સુધી દોરી લાવ્યા હતા. અંતે સમજાવટ બાદ તથા વાદી વકીલ શ્રી ડી.એમ.ભટ્ટ તેમ જ પ્રતિવાદી વકીલ શ્રી જી.એમ.દવેના સતત પ્રયત્નોથી પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થયું હતુ તેમ અમરેલી જિલ્લા લીગલ સર્વિસ ઓથોરિટી સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી આર.પી.ભંડેરીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments