fbpx
રાષ્ટ્રીય

ડુંગરપુર કેસમાં આઝમ ખાનને ૭ વર્ષની કેદ થઇ

ડુંગરપુર કેસમાં રામપુરના એમપી-એમએલએ કોર્ટે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને આઈપીસીની કલમ ૪૨૭, ૫૦૪, ૫૦૬, ૪૪૭ અને ૧૨૦બી હેઠળ દોષી જાહેર કરીને સાત વર્ષની જેલની સજા ફટકારી છે. બાકીના ગુનેગારોને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આઝમ ખાનની સાથે નગરપાલિકાના ભૂતપૂર્વ અધ્યક્ષ અઝહર અહેમદ ખાન, કોન્ટ્રાક્ટર બરકત અલી અને નિવૃત્ત સીઓ અલ હસનને પણ કોર્ટે દોષી ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી છે. કેસના ચુકાદાની સુનાવણી દરમિયાન સપા નેતા આઝમ ખાન, સીતાપુર જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,

ઉતર પ્રદેશમાં સમાજવાદી પક્ષના શાસનકાળમાં ડુંગરપુરમાં આશરા ઘર બનાવવામાં આવ્યા હતા. આ જગ્યા પર કેટલાક લોકોએ પહેલાથી જ મકાનો બનાવેલા હતા. એવુ કહેવાયું હતું કે, આશરા ઘર જ્યા બાંધવામાં આવ્યું છે તે જમીન પરના મકાનો સરકારી જમીન પર હોવાનું જાહેર કરીને વર્ષ ૨૦૧૬માં તોડી પાડવામાં આવ્યા હતા. આ કેસમાં પીડિતોએ લૂંટનો પણ આક્ષેપ કર્યો હતો. વર્ષ ૨૦૧૯માં રામપુરના ગંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે લગભગ એક ડઝન અલગ-અલગ કેસ નોંધાયા હતા. આરોપ છે કે સપા સરકારમાં આઝમ ખાનના કહેવા પર પોલીસ અને એસપીએ શેલ્ટર હાઉસ બનાવવા માટે તેમના ઘરો બળજબરીથી ખાલી કરાવ્યા હતા. ત્યાં પહેલાથી બનેલા મકાનોને બુલડોઝરનો ઉપયોગ કરીને તોડી પાડવામાં આવ્યા હતા.

ડુંગરપુર કેસના અન્ય એક કેસમાં કોર્ટે ગત ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આઝમ ખાનને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસ રૂબીની પત્ની કરામત અલી વતી નોંધવામાં આવ્યો હતો. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપતા આઝમ ખાન સહિત તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. વર્ષ ૨૦૧૯માં આઝમ ખાન વિરુદ્ધ કુલ ૮૪ કેસ નોંધાયા હતા. જેમાંથી મોટા ભાગના કેસ કોર્ટમાં હાલમાં પેન્ડિંગ છે. અત્યાર સુધીમાં કુલ ૫ કેસમાં ચુકાદો આવી ચૂક્યો છે. જેમાંથી ત્રણ કેસમાં આઝમખાનને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જ્યારે બે કેસમાં આઝમ ખાનને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનની મુશ્કેલીઓમાં કોઈ ઘટાડો થવાના સંકેત દેખાઈ રહ્યા નથી. નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં દોષિત જાહેર થયા બાદ સપા નેતા આઝમ ખાન, તેમની પત્ની તન્ઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમ ઉત્તરપ્રદેશની અલગ-અલગ જેલમાં બંધ છે. આઝમ ખાન સીતાપુર જેલમાં બંધ છે તો, પુત્ર અબ્દુલ્લા આઝમ હરદોઈ જેલમાં બંધ છે, જ્યારે આઝમ ખાનની પત્ની રામપુર જેલમાં બંધ છે.

Follow Me:

Related Posts