અમરેલી

મતદાન જાગૃત્તિ અંગે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું યુવા મતદારોએ મતદાન માટે શપથ લીધા

 સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃત્તિ આવે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત નર્સિંગ કોલેજ ખાતે ‘યુથ વૉટર ફેસ્ટિવલ (યુવા મતદાતા ઉત્સવ)’ યોજાયો હતો.

       અમરેલી જિલ્લા ચૂંટણી ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપ્યુ અને મતદાનનું મહત્વ સમજાવ્યુ હતુ. મતદાન જાગૃત્તિ અંગે સિગ્નેચર કેમ્પેઈન યોજાયું હતુ. પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા નવા યુવા મતદારોએ મતદાન માટેના શપથ લીધા હતા. જિલ્લાના નાગરિકો અને યુવા મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાનના મહત્વને લઈને જાગૃત્તિ વધે તે માટે અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

       કાર્યક્રમમાં ચૂંટણી પંચની વીડિયો ક્લિપ “હું ભારત છું….”ના માધ્યમથી લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી પર્વ, મતદાન અને ચૂંટણી પ્રક્રિયા વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ સ્થળે સેલ્ફી પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા જ્યાં યુવા મતદારોએ સેલ્ફી લીધી હતી. વિદ્યાર્થીઓએ મતદાન અંગેના પોતાના પ્રતિભાવો પણ વ્યક્ત કર્યા હતા.

       આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વડીયા તાલુકા મામલતદાર શ્રી, કોલેજ કેમ્પસ ડાયરેક્ટરશ્રી અને પ્રિન્સિપાલશ્રી, વિદ્યાર્થીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts