સાવરકુંડલા ખાતે રામજન્મોત્સવ દરમિયાન શોભાયાત્રામાં આહીરોએ રંગ રાખ્યો.
આમ તો હર એક ભીતર રામ છે,
એજ ઈશ્વર કે ખુદા બસ નામ છે.
અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા બાદ પ્રથમ રામનવમી હોઇ સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતનું ભાગ્યે જ કોઈ શહેર આ આનંદમાંથી બાકાત રહ્યું હશે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં પણ ખૂબ ધામધૂમ પૂર્વક રામનવમી ઉજવવામાં આવી. સાવરકુંડલાના તમામ ધર્મના લોકો તથા જ્ઞાતિના લોકો આ રાષ્ટ્રીયપર્વ જેવા બની ગયેલા તહેવારમાં જોડાયા. સમગ્ર સાવરકુંડલા શહેરને રામનવમીને અનુરૂપ કેસરી રંગે સજાવવામાં આવ્યું હતું. અવનવા પતાકડાં , ફ્લોટ્સ, રામાયણના દ્રશ્યો ,રાત્રિનો સાંસ્કૃતિક કાર્યક્રમ, રામનવમીની આરતી , વિવિધ જ્ઞાતિઓ દ્વારા શરૂ કરવામાં આવેલા સેવા સ્ટોલ અને શોભાયાત્રા આ તહેવારનું અનેરુ આકર્ષણ બની રહ્યા.
આ પ્રસંગે સાવરકુંડલા આહીર સમાજ દ્વારા રામનવમીને આપણી ભાતીગળ સંસ્કૃતિથી ઉજવવા માટે બે અનોખા આયોજન હાથ ધરાયા હતા. જે પૈકી શોભાયાત્રામાં આહીર સમાજની સંસ્કૃતિને દર્શાવતું એક ટ્રેક્ટર જોડવામાં આવ્યું હતું. જેમાં આહીર સમાજના યુવાનો પરંપરાગત પોશાક, પરંપરાગત ભાષા, આહીરોની સંસ્કૃતિ ઉજાગર થાય તેવી છબીઓ, તેવો શણગાર, તેને અનુરૂપ ગીત – સંગીત અને નૃત્ય સાથે જોડાયા હતા. આ નવતર પ્રયોગની સમગ્ર સાવરકુંડલા શહેર ભારે સરાહના કરેલી. તદુપરાંત સાવરકુંડલા આહીર સમાજ દ્વારા આ પર્વ નિમિત્તે ગોરસ પરબનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો. જેના અંતર્ગત સાવરકુંડલા આહીર સમાજના પુરુષો દ્વારા પરંપરાગત પોશાકમાં હાથસણી રોડેથી પસાર થતાં દરેક વ્યક્તિ અને સરઘસના તમામ સભ્યોને સૌરાષ્ટ્રનું અમૃત એવી ૧૦૦૦ લીટર છાશ તાણ્ય કરી કરીને ૫૦૦૦થી વધુ માણસોને પીવડાવી હતી. આહિર સમાજના પુરુષો ધોમધખતા તાપમાં રોડ પર જઈને સામેથી દરેક વ્યક્તિને અનેરા ભાવથી છાશ પીવડાવી રહ્યા હતા. આ દ્રશ્ય અને છાશની ગુણવત્તા તથા આહીર સમાજનો ભાવ જોઈ દરેક સમાજ ખુશખુશાલ થઈ ગયો હતો. સાવ ઓછી વસ્તી હોવા છતાં આહીર સમાજે કરેલી આ બંને કામગીરીની પ્રશંસા સમગ્ર સાવરકુંડલા શહેરમાં થઈ રહી છે.આમ આ રામજન્મોત્સવની શોભાયાત્રા દરમિયાન યદુવંશી પરંપરા અને રઘુવંશી પરંપરાની અજબ ભક્તિસભર કેમેસ્ટ્રી જોવા મળી.
Recent Comments