સાવરકુંડલા માં પરશુરામ જયંતિની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવી.

અખાત્રીજના મંગલ દિવસે બ્રાહ્મણો ના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજી ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. ભારતીય સનાતન સંસ્કૃતિ અને ઋષિમુનિઓની રળિયાત છે. વેદ-ઉપનિષદ, પુરાણો, શાસ્ત્રોની રચના કરી વિચાર, વિજ્ઞાન, વીરતા વિનમ્રતા, વિશાળતા અને વિદ્યા જેવા વિવિધતા થકી માણસાઇના પાઠ શીખવી અમરતા પ્રાપ્ત કરી લેનાર ઋષિમુનિઓની જન્મ જયંતિ ની ભક્તિ સભર ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામ ની જન્મ જયંતિ ની દર વર્ષની જેમ આ વર્ષે પણ સાવરકુંડલા શહેરમાં આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.
અખાત્રીજ ના દિવસે સાવરકુંડલા શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા કબીર ટેકરી ખાતે ભગવાન શ્રી પરશુરામજી ની આરતી-પૂજન-અર્ચન કરી ત્યારબાદ ડી.જે. સાથે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ. જેમાં નાના બાળકો, યુવાનો, બહેનો વગેરે ખૂબ જ બહોળી સંખ્યામાં જોડાયા હતા. જય જય પરશુરામના ગગનભેદી નાદ વાતાવરણમાં ગુંજી ઉઠ્યો હતો. સુશોભિત રથ, ટ્રેકટરો અને બાઇક સાથે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને સાંજના સમયે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્ય દાતાશ્રી તરફથી બ્રહ્મચોર્યાસી નું આયોજન કરવામાં આવેલ. જેમાં હજારો ભૂદેવોએ એક સાથે પ્રસાદ લીધો હતો.અખાત્રીજનું વણજોયું મુહુર્ત છે. આજના દિવસે લોકોએ નવા મકાન, જમીનની ખરીદી, વાહનની ખરીદી, સોના અને ચાંદીની ખરીદી કરી શુકન સાચવ્યું હતું. તેમ યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
Recent Comments