fbpx
અમરેલી

તા.૪ જૂને યોજાશે મતગણતરીઃ  મતગણતરી મથકની આજુબાજુના ૨૦૦ મીટર વિસ્તારમાં ચાર કરતા વધુ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. નિયત કરવામાં આવેલા મતગણતરી મથક પર સરળ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે (૧) મતગણતરી મથકોની આજુબાજુના ૨૦૦ મીટર વિસ્તારમાં સવારે ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રાજ્ય માર્ગો, શેરીઓમાં ગલીઓમાં કે પેટા ગલીઓમાં ચાર કરતા વધુ માણસોના ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. (૨) મતગણતરી સ્થળ પર સલામતી દળ દ્વારા કોર્ડન કરવામાં આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ મતગણતરીના દિવસે સેલ્યુલર, કોર્ડલેસ, મોબાઈલ ફોન, વાયરલેસ સેટ વગેરે ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં અને તેનો ઉપયોગ કરી શકશે નહી. (૩) સક્ષમ સત્તાધિકારી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના કોઈપણ વ્યક્તિ મત ગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહી. (૪) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને મતદાર વિભાગ માટે મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોય તે સિવાય અન્ય મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ મેળવી શકશે નહી. ઉમેદવાર તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટે તેમને બેસવા માટે નિયત કરવામાં આવેલી જગ્યાએ જ બેસવાનું રહેશે.

      ક્રમ નં.(૧) થી મૂકવામાં આવેલા પ્રતિબંધ, મતગણતરીના કાર્યમાં રોકાયેલા અને પરવાનગી મેળવી આવેલા અધિકારી-કર્મચારી, હરિફ ઉમેદવાર તથા મતગણતરી એજન્ટોને મતગણતરી સ્થળ પૂરતો લાગુ પડશે નહીં. ઉપરોક્ત ક્રમ નં. (૨) થી મૂકવામાં આવેલા પ્રતિબંધ મતગણતરી માટે ભારતના ચૂંટણી આયોગ દ્વારા મૂકવામાં આવેલ નિરીક્ષકશ્રીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીને લાગુ પડશે નહીં. આ જાહેરનામુ તા.૦૪ જૂન, ૨૦૨૪ના રોજ સવાર ૬ વાગ્યાથી મતગણતરી પૂર્ણ ન થાય તથા આખરી પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર ઠરશે.

Follow Me:

Related Posts