ગુજરાતમાં જળબંબાકારઃ ૩૮ ગામમાં છવાયો અંધારપટ, ખંભાળિયામાં ૪ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો
ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને ત્રીજા અઠવાડિયે ચોમાસું જામ્યું છે. રવિવારે (૩૦મી જૂન) ૨૧૧ તાલુકામાં ૬ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. સુરતના પલસાણામાં સૌથી વધુ ૬ ઈંચ, બારડોલી, કામરેજમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જ્યારે તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ હતો. હવામાન વિભાગ દ્વારા આજે (પહેલી જુલાઈ) ૨૫ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં ગઈકાલે રવિવાર સવારના ૬ વાગ્યાથી આજે સોમવાર સવારના ૬ વાગ્યા સુધીમા ૨૧૪ તાલુકામાં વરસેલા સાવર્ત્રિક વરસાદ ખાબક્યો છે. સતત વરસી રહેલા વરસાદના લીધે ગામડાઓના પંચાયત હસ્તાના રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહન વ્યવહાર પર અસર પડી છે. તો બીજી તરફ વરસાદના કારણે ૩૮ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ છવાયો છે.
જૂનાગઢ જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગિરનાર પર્વત પર ચાર કલાકમાં છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. જો કે, નીચાણવાળા વિસ્તારોને ભારે વરસાદને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે. કેશોદ પંથકમાં મોડી રાત્રી દરમિયાન ધીમીધારે ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે માણાવદરમાં સૌથી વધુ ચાર કલાકમાં આઠ ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત માણાવદરમાં આવેલો રસાલા ડેમ ઓવરફ્લો થયો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે સવારે ૬થી ૧૦ વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં ૧૩૧ મિ.મી., કલ્યાણપુરમાં ૫૭ મિ.મી., દ્વારકામાં ૩૫ મિ.મી. અને ભાણવડમાં ૨૦ મિ.મી. વરસાદ સાથે સીઝનનો કુલ વરસાદ ખંભાળિયામાં ૨૪ ઈંચ (૫૮૮ મિ.મી.), દ્વારકામાં ૧૦ ઈંચ (૨૪૭ મિ.મી.), કલ્યાણપુરમાં સવા ૭ ઈંચ (૧૧૯ મિ.મી.) અને ભાણવડમાં ૬ ઈંચ (૧૪૭ મિ.મી.) વરસી જવા પામ્યો છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ઉત્તર અરબ સાગરમાં બનતું સાયક્લોનિક સક્ર્યુલેશન ગુજરાતને અસર કરશે. લૉ પ્રેશરના કારણે જુલાઈમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે (પહેલી જુલાઈ) મધ્ય ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પાંચમીથી ૧૨મી જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની પડી શકે છે. કેટલાક ભાગોમાં પૂર આવી શકે છે. જ્યારે આઠમીથી ૧૨મી જુલાઈના રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે.
ઉપલેટામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. ઉપલેટામા ત્રણ કલાકમા ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે ઉપલેટા શહેરના અનેક વિસ્તારમા પાણી ભરાઈ ગયા છે.
આજે (પહેલી જુલાઈ) વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. સવારે ૮ વાગ્યા સુધીમાં કુલ ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના ખંભાળિયામાં કુલ સાડા ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના ૧૪ તાલુકામાં સામાન્યથી ૨ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેમાં કલ્યાણપુરમાં ૪૮ મિ.મી., માણાવદરમાં ૨૬ મિ.મી., કુતિયાણા, જુનાગઢ, જુનાગઢ શહેરમાં ૩૫-૩૫ મિ.મી., પડધરીમાં ૩૩ મિ.મી., સૂત્રાપાડામાં ૩૧ મિ.મી., જુનાગઢના માંગરોળમાં ૨૯ મિ.મી., હાંસોટમાં ૨૯ મિ.મી., મેંદરડામાં ૨૭ મિ.મી., જામકંડોરણા, જેતપુર, કેશોદ અને કોડીનારમાં ૨૬ મિ.મી. વરસાદ ખાબક્યો છે, જ્યારે ૧૦૦ તાલુકામાં સામાન્યથી એક ઈંચથી જેટલો વરસાદ ખાબક્યો છે.
સોમવારે ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, બોટાદમાં ભારેથી અતિ ભારે. બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. મેઘરાજાએ ૬ ઈંચ સુધીની આક્રમક બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ ઊભી થતા જનજીવનને અસર પહોંચી હતી. બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે. સુરતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી ઊભી થવા સાથે ૩૯ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. નવસારી જિલ્લામાં બે મકાન તૂટી પડવાની ઘટના બની હતી. વલસાડ જિલ્લામાં ૨૪ કલાકમાં સરેરાશ ૩.૭ ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં સૌથી વધુ ૫.૫ ઈંચ વરસાદ પડ્યો હતો. જલાલપોરના આરક સિસોદ્રા ગામે આશિક બાબુભાઈ હળપતિના આવાસાની દિવાલ તૂટી પડતા પરિવારના ચાર સભ્યો દબાયા હતા. ચારેયને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડાંગ જિલ્લામાં રવિવારે દિવસભર વરસાદની હેલી જારી રહેતા આહલાદક વાતાવરણ જોવા મળ્યું હતુ. વીક એન્ડ હોવાથી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓથી ઉભરાયું હતુ.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે બપોર બાદ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને મહેર કરી હોય તે પ્રકારે વરસાદ પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં ૩ ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે.
Recent Comments