fbpx
અમરેલી

૫-૭ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો બન્યાં ફાર્મર માસ્ટર ટ્રેનર : ગામડે ગામડે જઈ સૃષ્ટિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે ખેડૂતોને કરી રહ્યા છે પ્રેરિત

અમરેલી જિલ્લામાં આયોજનબદ્ધ રીતે પ્રાકૃતિક ખેતીની મુહિમ આગળ વધી રહી છે. છેલ્લાં ૫-૭ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ગામડે ગામડે જઈ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિના સ્વાનુભવ અને લાભો ખેડૂતો વચ્ચે વહેંચી રહ્યા છે. જિલ્લામાં ૧૨૪  ફાર્મર માસ્ટર ટ્રેનર આત્મા પ્રોજેક્ટના સહયોગથી ગામે ગામ સ્વ અને સૃષ્ટિ માટે હિતકારી પ્રાકૃતિક કૃષિની તાલીમો યોજીને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. આમ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જ અન્ય ખેડૂતોના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.

આ સંદર્ભે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.એમ. નિનામા કહે છે કે, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મિશન મોડ પર પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતીની આવશ્યકતા અને ફાયદાઓ દરેક ખેડૂતો સુધી પહોંચે તે માટે ખાસ ૫-૭ વર્ષથી સફળતાપૂર્વક પ્રાકૃતિક ઢબે ખેતી કરતા હોય અને પ્રાકૃતિક કૃષિના જુદા જુદા આયામો જાણતા હોય તેવા ખેડૂતોને ફાર્મર માસ્ટર ટ્રેનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમ આયોજનબદ્ધ રીતે આગળ વધે તે માટે ૫-૫ ગામોના ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે. આ દરેક ક્લસ્ટર માટે ૧ ફાર્મર માસ્ટર ટ્રેનર નિમવામાં આવે છે. તેમની મદદમાં એક ટેકનિકલ માસ્ટર ટ્રેનર હોય છે, જે ખેતીવાડી કે બાગાયત વિભાગનો કર્મચારી હોય છે. તેમના દ્વારા ખેડૂતોને જ્યારે અનુકૂળ સમય હોય એટલે કે, સામાન્ય રીતે ખેડૂતોને સાંજના સમયે કે, ખેતી કામમાંથી નવરાશ રહેતી હોય તેવા સમયે પ્રાકૃતિક કૃષિ માટેની તાલીમનું આયોજન કરવામાં આવે છે. જિલ્લામાં ૧૨૪ ફાર્મર માસ્ટર ટ્રેનર અને ૧૦૩ ટેકનિકલ માસ્ટર ટ્રેનર ગામડે- ગામડેએ જઈ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી ડેમોસ્ટ્રેશન સાથે તાલીમ આપી રહ્યા છે.

આ તાલીમની અસરકારકતા એટલા માટે વધી જાય છે કે, ખેડૂતો જ  ખેડૂતોને પોતાની આગવી ભાષામાં પ્રાકૃતિક ખેતીના અનુભવો અને પ્રાપ્ત કરેલા લાભો ઉપરાંત પ્રાકૃતિક કૃષિના મુખ્ય આધાર સ્તંભ એવા જીવામૃત,ઘન જીવામૃત, અચ્છાદાન બીજામૃત મિશ્ર પાક પદ્ધતિ, દેશી ગાયનું મહત્વ વગેરે વિશે જાણકારી આપે છે, જેથી ખેડૂતો તેને સરળતાથી આત્મસાત કરે છે. ઉપરાંત ફાર્મર માસ્ટર ટ્રેનર માટે પણ જરૂરી તાલીમનું આયોજન કરવામાં આવે છે.

જિલ્લા કલેકટર શ્રી અજય દહીયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે. આમ, જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

ફાર્મર માસ્ટર ટ્રેનરના મહેનતાણામાં પણ રાજ્ય સરકારે વધારો કરીને પ્રતિ તાલીમ માટે રૂ.૫૦૦ની પ્રોત્સાહક રકમ આપવામાં આવી રહી છે. તેમ શ્રી ડી.એમ. નિનામાએ જણાવ્યું હતું.

આત્મા પ્રોજેક્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી દિલીપ ચાવડા અને ટીમ આત્મા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિની મુહિમને તેજીથી આગળ વધારવા માટે સતત જહેમત ઉઠાવી રહી છે.

Follow Me:

Related Posts