fbpx
ગુજરાત

હિરાસર એરપોર્ટને લઈને રાજકોટ કોંગ્રેસે રમકડાંના પ્લેન બતાવીને અનોખી રીતે વિરોધ કર્યો

થોડા દિવસો અગાઉ રાજકોટમાં આવેલા હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદમાંજ કેનોપી તૂટી પડવાની ઘટના બની હતી અને ત્યારબાદ ફરી એક વાર હિરાસર એરપોર્ટ વિવાદમાં આવ્યું છે. હિરાસર એરપોર્ટને લઈ રાજકોટ કોંગ્રેસે એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં રમકડાંના પ્લેન અને નકલી નોટો બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. રાજકોટના બહુમાળી ચોકમાં ગુરુવારે કોંગ્રેસના કાર્યકરો એકત્ર થયા હતા અને રમકડાંના પ્લેન બતાવી વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકરોએ રમકડાંના પ્લેન બતાવીને પૈસા ઉડાડ્‌યા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.

વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ જણાવ્યું હતું કે ગઇ કાલે રિપોર્ટ આવ્યો કે માપદંડો ના હોવાથી હિરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ફ્‌લાઇટ ઉડી નહી શકે. ભાજપે ૧૪૦૦ કરોડનો ખર્ચો કરીને સૌરાષ્ટ્રવાસીઓને મામુ બનાવ્યા છે. હિરાસર એરપોર્ટ ડોમેસ્ટીક રાખવું હતું તો જુનુ એરપોર્ટ શું ખોટું હતું. આમા જમીન કૌંભાડ હોવાની અમને શંકા છે. કાર્યકરોએ કહ્યું કે ભાજપ હવાઇ જાહેરાતો કરે છે અને સૌરાષ્ટ્રવાસીઓને ચિંગમ આપી છે જેથી અમે એરપોર્ટ પર ચિંગમ લગાડી છે. સરકારે ૧૪૦૦ કરોડથી વધુનો ખર્ચો કરી જનતાને ઉલ્લુ બનાવી છે. માત્ર મત લેવા માટે આ કાર્ય કરાયું છે. કોંગ્રેસે કહ્યું કે ઇન્ટરનેશનલ ફ્‌લાઇટના બણગાં ફૂંકાયા હતા પણ હજું ડોમેસ્ટીક ફ્‌લાઇટ જ ચાલી રહી છે. કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત અને રણજીત મુંધવાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શીત કરાયો હતો.

જો કે, આ વર્ષે ૧૫ ઓગસ્ટ સુધીમાં એરપોર્ટ ખાતે સ્થાયી ટમિર્નલનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે અને નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ સ્થાયી ટમિર્નલમાં ડોમેસ્ટિક ફ્‌લાઈટનું સંચાલન કરવામાં આવશે. ઇન્ટરનેશનલ ફ્‌લાઈટના સંચાલન માટે અન્ય સ્થાયી ટમિર્નલ બનાવવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે, તેમજ અસ્થાયી ટમિર્નલમાં કાર્ગોનું સંચાલન પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts