હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના તમામ જીલાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ત્યારે અમુક જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર મુશળધાર વરસ્યો છે. ખંભાળિયાના કોઠા વિશોત્રી, મોવાણ, ગોલણ, શેરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે.
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ગોલણ અને શેરડી ગામની નદીઓ સહિત સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. બીજી તરફ સામોર ગામે ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પુર આવ્યો છે. સ્થાનિક નદીમાં પુર આવ્યુ છતા વાહન ચાલકો જોખમી રસ્તા પર પસાર થતા જોવા મળ્યા છે. સામોર ગામને જોડતા માર્ગ પર ધસમસતા પાણીમાં જોખમી રીતે મોટર સાઇકલ લઇને પસાર થતા હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના મોટા આસોટા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળે છે. મોટા આસોટા ગામે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. તેમજ ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થયો છે. જો કે લાંબા વિરામ બાદ દ્વારકાના આસોટામાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
Recent Comments