ગુરુપૂર્ણિમાએ શબ્દપૂર્ણિમા યોજાણી
ગુરુપૂર્ણિમાના દિવસે કલ્ચરલ ક્લબ ‘કોલેબ’ ખાતે શબ્દપૂર્ણિમા નામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહાદેવના મહિમાને વક્તવ્ય, વિમોચન, ગાન અને પઠન એમ વિવિધ વિધાઓ દ્વારા આલેખિત કરવામાં આવ્યો હતો. જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામી અને રક્ષા શુક્લ લિખિત બેસ્ટ સેલર બુક ‘વિશેષ શ્રાવણસુવાસ’નું વિમોચન કરતા ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવે જણાવ્યું કે ‘સંશોધન અને શાસ્ત્ર આધારિત આ પુસ્તક દરેક ધર્મપ્રેમીએ વાંચવું રહ્યું. આપણી વિચારધારા અટકી જાય ત્યાંથી શિવની વિચારધારાનો પ્રારંભ થાય છે.’
મુખ્ય મહેમાન તરીકે પધારેલ સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમેશ તન્નાએ કહ્યું કે ‘આ પુસ્તકમાં શિવ વિશેની મોટા ભાગની માહિતી મળી જાય છે. દેવ પણ ભોળા હોય એ કલ્પના પણ કેવી રોમાંચક છે.’ અતિથિવિશેષ તરીકે નવભારત સાહિત્ય મંદિરના રોનક શાહ – હિરાધનના ડી. કે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શિવગાન ડૉ. કૃતિ મેઘનાથી અને કાવ્યપાઠ શબ્દ ગોસ્વામીએ કર્યો હતો. સર્જક સાથે સંવાદ પણ યોજાયો હતો. એક અનોખા કાર્યક્રમથી ભાવકો રસતરબોળ થયા હતા.
Recent Comments