જમ્મુકાશ્મીરમાં ગરમીનો ૨૫ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, હિટવેવના કારણે સ્કૂલ બંધ
એક તરફ દેશભરના અન્ય રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં હિટવેવની સ્થિતિ છે. જમ્મુ અને કાશ્મીરમાં ગરમીએ જુલાઈ મહિનાનો ૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. વાસ્તવમાં કાશ્મીરમાં ભીષણ ગરમી પડી રહી છે. ખીણમાં ઘણી જગ્યાએ ૨૫ વર્ષમાં જૂલાઈમાં સૌથી વધુ તાપમાન રવિવારે નોંધાયું હતું. આકરી ગરમીના કારણે સ્થિતિ એટલી ખરાબ છે કે બાળકોને તેની અસર ન થાય તે માટે શાળાઓ બંધ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. કાશ્મીરના શિક્ષણ વિભાગે ભીષણ ગરમીના કારણે ૨૦ થી ૩૦ જુલાઈ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે શ્રીનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ૯મી જુલાઈ, ૧૯૯૯ના રોજ જ્યારે તાપમાનનો પારો ૩૭ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો ત્યારથી તે જુલાઈનો સૌથી ગરમ દિવસ હતો.
શ્રીનગરમાં જૂલાઈનો સૌથી ગરમ દિવસ ૧૦ જૂલાઈ ૧૯૪૬ના રોજ નોંધાયો હતો જ્યારે તાપમાનનો પારો ૩૮.૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો. દક્ષિણ કાશ્મીરના કાઝીગુંડ અને કોકરનાગ શહેરમાં પણ રવિવારે જુલાઈનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. કાઝીગુંડમાં ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસનું મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે ૧૧ જુલાઈ, ૧૯૮૮ના રોજ નોંધાયેલા અગાઉના સૌથી વધુ ૩૪.૫ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ હતું. અગાઉ ૧૦ જુલાઈ ૧૯૪૬ના રોજ શ્રીનગરમાં ૩૮.૩ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ પછી ત્રીજું સૌથી વધુ તાપમાન ૯ જુલાઈ, ૧૯૯૯ના રોજ ૩૭ ડિગ્રી સેલ્સિયસ અને જુલાઈ ૧૯૯૭માં ૩૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કોકરનાગમાં પારો ૩૪.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જ્યારે આ વર્ષે ૩ જુલાઈએ ૩૩.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના આ શહેરમાં તાપમાનનો પારો માત્ર એક જ વાર ૮ જુલાઈ ૧૯૯૩ના રોજ ૩૩ ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં કાશ્મીર ઘાટીમાં વિવિધ સ્થળોએ વરસાદની આગાહી કરી છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થવાની આશંકા છે.
Recent Comments