અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનનો અનેરો ઉત્સાહ છે. જિલ્લામાં તાલુકા અને નગરપાલિકા કક્ષાની ઉજવણી અંતર્ગત ઠેર-ઠેર તિરંગા યાત્રાઓ યોજવામાં આવી રહી છે. ભારતની આન, બાન અને શાન એવા તિરંગાનું વિતરણ પણ શરુ છે.
સમગ્ર અમરેલી જિલ્લો દેશભક્તિના રંગોમાં રંગાયો છે. જિલ્લાના લાઠી, દામનગર, લીલીયા, સાવરકુંડલા, કુંકાવાવ સહિતના તાલુકાઓના શહેરી અને ગ્રામ્ય કક્ષાએ ઉત્સાહભેર તિરંગા યાત્રા યોજાઈ, વિદ્યાર્થીઓ, મહાનુભાવો, સ્થાનિક પ્રતિનિધીશ્રીઓ અને નાગરિકો સહિતના તિરંગા યાત્રામાં જોડાયા હતા. કુંકાવાવ મુકામે પણ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયા અને લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં લાઠીમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. નાગરિકોએ નગરની વચ્ચે તિરંગા સાથે જોશભેર યાત્રા કાઢી ઉત્સાહ દર્શાવ્યો હતો. લાઠીમાં યુવતીઓ દ્વારા કરવામાં આવેલી તલવારબાજીએ આકર્ષણ જમાવ્યું હતું. ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં દામનગર નગરપાલિકા આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી. નગરજનોએ દેશભક્તિ ગીતોના તાલ પર શહેરમાં શાનથી તિરંગો લઈ ભ્રમણ કર્યુ હતું.
ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકાના નગરો સહિતના વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. વિદ્યાર્થીઓ, નગરજનો અને અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓએ નગરમાં ભ્રમણ કરી તિરંગા યાત્રા થકી દેશભક્તિનો માહોલ ઉજાગર કર્યો હતો. તા.૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ને બુધવારના રોજ સવારે ૯ વાગ્યે અમરેલી મુકામે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે. અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઈસ્કુલના મેદાનથી સવારે ૯.૦૦ કલાકથી તિરંગા યાત્રા પ્રસ્થાન થશે. નાગરિકોને આ તિરંગા યાત્રામાં જોડાવવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Recent Comments