ભાવનગરમાં આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત આપદામિત્ર રીફ્રેશર તાલીમ યોજાઇ
ભાવનગરમાં ચોમાસું-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ જિલ્લાના આપદામિત્રો માટે આપદામિત્ર રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકારના આપદામિત્ર પ્રોજેક્ટ અને ભારત સરકારના નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA) ના અપસ્કેલીંગ આપદામિત્ર પ્રોજેક્ટ અંતર્ગત ભાવનગર જિલ્લાના આપદામિત્રોને વર્ષ- ૨૦૧૮-૧૯ અને ૨૦૨૨-૨૩ દરમિયાન એસડીઆરએફ દ્વારા ડીઝાસ્ટર વિષયક ૧૨ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવેલ હતી.
જેના અનુસંધાનમાં ચોમાસું-૨૦૨૪ ને ધ્યાનમાં રાખીને તાલીમ મેળવેલ તમામ આપદામિત્રોને આફતોની પરિસ્થિતિમાં જીલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થઇ શકે તે હેતુથી કલેકટર ઓફિસના ડિઝાસ્ટર વિભાગ દ્વારા એક દિવસીય રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયર વિભાગ અને રેડક્રોસ ના તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં પુર બચાવ, રાહત વિતરણ, સ્થળાંતર, રસ્તાઓ ખુલ્લા કરવા તથા એનડીઆરએફ/એસડીઆરએફ સાથે સંકલનમાં રહી મદદરૂપ થવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે ડિઝાસ્ટર મેનેજમેન્ટના મામલતદારશ્રી એમ. પી. પટેલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડી.પી.ઓ.શ્રી
ડીમ્પલબેન તેરૈયા, જી.આર.ડી. પી.એસ.આઈ.શ્રી જે. આર. શૈખ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી શંભુસિંહ સરવૈયા, શ્રી પ્રહલાદસિંહ સહિત જિલ્લાના આપદામિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments