અમરેલી

જિલ્લામાં મોસમનો ૬૦૧.૪૫ એમ.એમ. વરસાદ નોંધાયોઃ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા વિવિધ કાર્યવાહી શરુ

 અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા નોંધવામાં આવેલા વરસાદના આંકડાઓને ધ્યાને લેતા, જિલ્લામાં તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ને રવિવારના રોજ સાંજે ૪ વાગ્યે સમગ્ર જિલ્લામાં ૬૦૧.૪૫ એમ.એમ. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં છેલ્લા બે-ચાર દિવસમાં વરસાદનો વિરામ જોવા મળ્યો છે.જિલ્લામાં નોંધાયેલા વરસાદ અને વરસાદની સ્થિતિમાં નાગરિકોના સ્થળાંતર કરવાની આવશ્યકતા નહોતી. વીતેલા ચારેક દિવસોમાં જિલ્લામાં, મોસમનો સારો વરસાદ નોંધાયો હતો અને તેમાં નુકશાની નહોતી. કેશડોલ (રોકડ સહાય) ચૂકવવાના માપદંડો મુજબની નુકશાની થયાનું ધ્યાને આવ્યું નથી.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્થિતિ અને જરુરિયાત મુજબ નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવામાં આવી રહી છે. જિલ્લામાં એક પશુના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં પશુપાલક લાભાર્થીને તંત્ર દ્વારા રુ.૩૨ હજાર ચૂકવવામાં આવ્યા છે.જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના રિપેરિંગ માટે માર્ગ અને મકાન (રાજય અને પંચાયત) સહિતના વિભાગ સતત કાર્યરત છે. વરસાદને લીધે મકાનમાં આંશિક નુકશાન થયું હોય તેવા કિસ્સાઓમાં સહાય ચૂકવવા સર્વે કામગીરી શરુ છે.જિલ્લાની નવ નગરપાલિકા અને ગ્રામ્ય પંચાયત દ્વારા શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં સઘન સફાઇ અને દંવા છંટકાવની કામગીરી કરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં ૫૫ ટીમ, ૯ જેસીબી અને ૧૬ ટ્રેક્ટર આ કામગીરી માટે કાર્યરત છે, તેમ અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts