“સોડમ પુરાતન પાંચાળની”- તરણેતર લોકમેળો ૨૦૨૪
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં તરણેતર ગ્રામ પંચાયત તથા ગુજરાત ટુરિઝમ દ્વારા “સોડમ પુરાતન પાંચાળની” થીમ સાથે તરણેતર લોકમેળા ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. આજે ઋષિ પંચમીના પવિત્ર દિવસે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી શ્રી મુળુભાઈ બેરા તરણેતરના મેળામાં પધાર્યા હતા અને સ્થાનિકોનો ઉત્સાહ વધાર્યો હતો.
તરણેતર પધાર્યા બાદ મંત્રીશ્રીઓએ સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરીને શિવ પૂજન કર્યું હતું તથા રાજ્યની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ મહાનુભાવો તરણેતર મેળામાં ગ્રામ પંચાયત આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં જાેડાયા હતા. આ તકે બંને મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે પશુ પ્રદર્શનની સ્પર્ધાના વિજેતાઓને ઈનામ એનાયત કરાયા હતા.
આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા મહત્વના ર્નિણય અંગે કહ્યું હતું કે, રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુઓમાં સેક્સડ સીમેન ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે હાલમાં લેવામાં આવતી ફી રૂ.૩૦૦થી ઘટાડીને રૂ.૫૦ કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. ઉપરાંત પાટણ ખાતે અત્યાધુનિક વીર્ય ઉત્પાદન સ્ટેશન (સીમેન સ્ટેશન)ની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં પશુપાલકોને ર્સ્વનિભર બનાવવા ઉપરાંત પશુપાલન વ્યવસાયને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેનો સર્વે પશુપાલકોને લાભ લેવા મંત્રીશ્રીએ અપીલ કરી હતી.
આ તકે કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે
ભારે વરસાદના ભયના વચ્ચે પણ મેળાના સફળ આયોજન બદલ જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, દર વર્ષે ભાદરવા સુદ ત્રીજથી પાંચમ સુધી યોજાનારા આ વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળાનો લહાવો લેવા ૧.૫૦ લાખથી વધારે લોકો સમગ્ર રાજ્ય અને દેશમાંથી મુલાકાત કરે છે. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તરણેતરના લોકમેળામાં વર્ષ ૨૦૦૮થી પશુ પ્રદર્શન સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. જેનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે યોજાયેલી પશુ પ્રદર્શન સ્પર્ધામાં વિવિધ કેટેગરીમાં વિજેતા લોકોને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું કે, સમગ્ર દુનિયામાં સૌથી વધુ પશુધન આપણા દેશમાં છે. જેનો દેશના અર્થતંત્રમાં ખૂબ જ મહત્વનો ફાળો છે. પશુપાલકોને ઘર આંગણે વિવિધ યોજનાઓ અંતર્ગત સારવાર મળી રહે તે માટે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૮૧,૨૦૦ પશુ આરોગ્ય મેળાઓ યોજી ૩ કરોડ ૨૬ લાખથી વધારે પશુઓની સારવાર કરવામાં આવી છે, જેનો ૪૮ લાખથી વધારે પશુપાલકોએ લાભ લીધો છે. રાજ્યમાં ૧૦ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું શરૂ કરવામાં આવ્યા છે. ૭૬૦ મોબાઈલ પશુધન વાનથી સમગ્ર રાજ્યને સાંકળી લેવામાં આવ્યું છે. ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન અંતર્ગત પશુપાલન અને વનવિભાગ દ્વારા ૬૫ હજારથી વધારે પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના શહેરી ૩૭ કરુણા એમબ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે.
આ તકે રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મેળાની સફળતા માટે તેમજ અહીંના લોકોને શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું હતું કે, તરણેતરનો મેળો એ આનંદ, યુવાની અને કળાનો અનેરો સંગમ છે. પાંચાળની પ્રાદેશિક વિશેષતાઓનો ઉલ્લેખ કરતા તેમને કહ્યું હતું કે, મેળા – ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિ છે. દેશ, રાજ્ય અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં લોકમેળાની આગવી પરંપરા છે, જેને વર્ષોથી દરેક વિસ્તારમાં સ્થાનિક લોકોએ જાળવી રાખી છે. આપણી સંસ્કૃતિ અને વિરાસતના વિકાસની સાથે તેને પ્રોત્સાહન આપીને તેમાં પ્રાણ પૂરવાનું કામ તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે.
આપણા રાજ્યમાં દર વર્ષે યોજાતા આ લોકમેળા બદલાતા સમયની સાથે વધુ લોકભોગ્ય અને સફળ કઈ રીતે બને તેના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત પ્રયત્નશીલ છે. વર્તમાન સમયમાં યુવક, સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમજ રમત ગમત વિભાગ દ્વારા મેળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે, તો તરણેતરના મેળામાં પશુપાલન વિભાગ દ્વારા પશુ પ્રદર્શન પણ યોજાય છે.
તરણેતરના મેળાનું ધાર્મિક મહત્વ તેમજ માધવપુરના મેળા, જૂનાગઢના ભવનાથના મેળાની વિશેષતાઓનો ઉલ્લેખ પણ તેમણે કર્યો હતો. આ સાથે કહ્યું હતું કે, હવે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થવાનો છે, ત્યારે પર્યાવરણના જતન માટે ઝીરો પ્લાસ્ટિક વેસ્ટની નીતિ સાથે, આ મેળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વન અને પર્યાવરણ વિભાગે અભિયાન શરૂ કર્યું છે. લોકમેળાની આપણી પરંપરાને લોકોએ જાળવી રાખી છે, ત્યારે રાજ્ય સરકાર પણ તેના જતન અને સંવર્ધન માટે કાર્ય કરી રહી છે.
મેળાની દિવસ રાત સુરક્ષા કરતા પોલીસ તેમજ સુરક્ષા જવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે કહ્યું હતું કે, પશુ પ્રદર્શનમાં ભાગ લેનારા ૨૨૧ પશુપાલકોને વિવિધ શ્રેણીમાં ઈનામ અપાશે. આ સાથે તેમણે લોકોને આ ભાતીગળ મેળાને માણવા માટે અપીલ કરી હતી.
વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રવચનમાં કહ્યું હતું કે, પાંચાળની આ પવિત્ર ભોમકામાં આજે અહીં ચોમેર માણહ દેખાય છે. આ એવો વિશિષ્ટ મેળો છે, જેમાં અનેક લોકો ભરત ભરેલી છત્રી અને પરંપરાગત વેશભૂષામાં લોકો મેળો માણવા ઉમટે છે અને આ મેળાને જાેવા વિદેશીઓ પણ ઊમટતા હોય છે.
આ તકે સુરેન્દ્રનગરના સાંસદ શ્રી ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે પણ પ્રાસંગીક વક્તવ્ય આપ્યું હતું.
કાર્યક્રમ સ્થળે પધાર્યા બાદ મંત્રીશ્રીઓનું ઝાલાવાડી આંટાળી પાઘડી તેમજ પારંપરિક ભરતકામ કરેલી ઝાલાવાડી કોટી પહેરાવીને સ્વાગત કરાયું હતું. આ તકે પાંચાળ રાસ મંડળના યુવાનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં રાસ રજૂ કરવામાં આવ્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ સ્વાગત પ્રવચન કરીને સૌને આવકાર્યા હતા. જ્યારે કાર્યક્રમના અંતે તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશોકસિંહ રાણાએ આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યો સર્વ શ્રી કિરીટસિંહ રાણા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી પી.કે. પરમાર, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરિકૃષ્ણ પટેલ, લખતર સ્ટેટ યશપાલસિંહ દિવ્યરાજસિંહ ઝાલા, રાજસ્થાનના મહેન્દ્રસિંહ બાવાજી, સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કેયુર સંપટ, પશુપાલન વિભાગ – ગાંધીનગરના નિયામક શ્રી ફાલ્ગુની ઠાકર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગિરીશ પંડ્યા, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, ચોટીલા આસિસ્ટન્ટ કલેકટર શ્રી કલ્પેશ શર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
તરણેતરના મેળામાં આયોજિત પશુ પ્રદર્શનના વિજેતા સ્પર્ધકોને આજે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામના પશુપાલક સાનિયા નિલેશભાઈ માતમભાઈની માલિકીનો ગીર સાંઢ ચેમ્પિયન ઓફ ધ શો જાહેર થયો હતો. પશુ માલિકને રૂપિયા એક લાખનું ઈનામ એનાયત કરાયું હતું. ગીર ગાય તથા કાંકરેજ ગાયની શ્રેણીમાં રાજકોટના કસ્તુરબા ધામ ખાતેના સ્વામિનારાયણ ગુરુકુળની ગીર ગાય પ્રથમ ક્રમે રહી હતી. જ્યારે ભુજના ઢોરી ગામના ગાગલ લક્ષ્મણભાઈ ગીપલભાઈની કાંકરેજ ગાય પ્રથમ ક્રમે રહી હતી.
જાફરાબાદી તથા બન્ની ભેંસની શ્રેણીમાં રાણપુરના દેવળીયા ગામના સંજયભાઈ કરશનભાઈ માલકિયાની માલિકીની જાફરાબાદી ભેંસ પ્રથમ ક્રમે રહી હતી. ભુજના ઢોરી ગામના ગાગલ મહેશભાઈ વાલજીભાઈની માલિકીની બન્ની ભેંસ પ્રથમ રહી હતી. પ્રથમ ક્રમના તમામ વિજેતાને રૂપિયા ૫૦ હજારનું ઇનામ એનાયત કરવામાં આવ્યું હતું.
Recent Comments