ગુજરાત

ઈ-ચીટિંગની નકલી અરજી કરીને બે કરોડ રૂપિયા ફ્રીઝ કરી લેવામાં આવ્યા

આર્થિક ગુનાખોરી ઉપર અંકુશ મેળવવા પોલીસ હવે બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં ઓળઘોળ બની છે. નિયમાનુસારની કાર્યવાહીમાં પણ અનેક વિવાદ વચ્ચે હવે પોલીસ પૈસા પડાવવા માટે ગુનાખોરીનું પાપ આચરી રહી હોય તેવા કિસ્સા પણ પ્રકાશમાં આવી રહ્યા છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં ઈ-ચીટિંગની નકલી અરજી  કરાવીને એક બેન્ક ખાતામાં બે કરોડ રૂપિયા ફ્રીઝ કરવામાં આનવ્યા હતા. અમદાવાદ પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના ત્રણથી ચાર પોલીસ કર્મચારી અને બહારના મળતિયા સામે આંતરિક તપાસ  શરૂ થયાની ચર્ચા પોલીસ તંત્રમાં છે. 

મળતી માહિતી અનુસાર, શહેરના પશ્ચિમ વિસ્તારના એક વેપારીના બે કરોડ રૂપિયા જેમાં હતાં બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. વેપારીના નજીકના જ વ્યક્તિએ આ અંગે માહિતી આપી હતી અને બેન્ક એકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે ૧૦ ટકા એટલે કે ૨૦ લાખ રૂપિયા જેવો ખર્ચ થશે તેવી જાણકારી અપાઈ હતી. થોડો સમય તો ગભરાટ અનુભવતાં વેપારીએ ખાતામાં પડેલાં બે કરોડ રૂપિયા ધંધાના અને કાયદેસર છે તો ખાતું ફ્રીઝ કઈ રીતે થાય? આ અંગે કાયદાકીય જાણકારી મેળવી હતી.  તપાસ દરમિયાન એવી વિગતો ખુલી કે, કોઈ વ્યક્તિએ રોકાણ કરવા અંગેની ઓનલાઈન લિંક મળતાં ૨,૯૯૯  રૂપિયા જમા કરાવ્યાં હતાં.

આ રીતે પોતાની સાથે ઈ-ચીટિંગ થઈ ગયું હોવાની અરજી પશ્ચિમના એક પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી. વેપારીએ પોત આવી કોઈ છેતરપિંડી કરતાં નથી અને આવી કોઈ રકમ મેળવી નથી તેની વિગતો આપી હતી. તપાસમાં જણાયું હતું કે, વેપારીના નજીકના વ્યક્તિ સાથે ભળેલ એક પોલીસ કર્મચારીએ પોતાના મળતિયા મારફતે ૨,૯૯૯ રૂપિયા જમા કરાવાતાં ઈ-ચીટિંગ થયાની નકલી અરજી કરી તેમાં વેપારીનો બેન્ક એકાઉન્ટ નંબર આપી દીધો હતો. ફરિયાદના પગલે પ્રાથમિક તપાસમાં વેપારી સાથે કંઈક ખોટું થયાનું જણાતાં તેમના એકાઉન્ટમાં રહેલાં બે કરોડ અનફ્રીઝ કરી દેવાયાં હતાં. પરંતુ ઈ-ચીટિંગની નકલી અરજી કરાવી ખાતું ફ્રીઝ કરાવવા મુદ્દે પશ્ચિમ વિસ્તારના ત્રણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી સામે આંતરિક તપાસનો ધમધમાટ પોલીસ કમિશનર કચેરીએથી શરૂ થયાનું સૂત્રો જણાવી રહ્યાં છે. આ કિસ્સામાં અમદાવાદ પોલીસના અમુક કર્મચારીની ‘વાડ જ ચિભડાં ગળે’ જેવી ભૂમિકા હતી કે કેમ તે તો તપાસના અંતે જ સ્પષ્ટ થશે. 

Related Posts