ગુજરાત

સરકારી નોકરીનાં બહાને પૈસા પડાવતા નકલી ઓફિસરની ધરપકડ કરવામાં આવી

સુરતના કામરેજ, દિલ્હીગેટ, સગરામપુરાના રહીશોને દિલ્હી એરપોર્ટ ઉપર નોકરી અપાવવાના બહાને, ઈમ્પોર્ટ-એક્ષ્પોર્ટ લાયસન્સ કઢાવી આપવાના બહાને તેમજ સ્લીપર બસ ભાડે લઈ કુલ રૂ.૧૨.૭૫ લાખની ઠગાઈ કરનાર નકલી કસ્ટમ અધિકારીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આર્મીની નંબર પ્લેટ સાથેની કાર સાથે ઝડપી લીધો હતો.સુરતમાં છેલ્લા દોઢ વર્ષથી સક્રિય મૂળ બિહારનો ભેજાબાજ અગાઉ દિલ્હીમાં એરપોર્ટ ઓથોરીટીમાં કસ્ટમ અધિકારીના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો.જાેકે, તે નોકરી છૂટી ગયા બાદ દિલ્હી અને ગોવાથી કસ્ટમનું બોગસ સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ બનાવી અને આર્મીનો યુનિફોર્મ તેમજ આર્મીની બોગસ નંબર પ્લેટ બનાવી પહેલા તેણે ગોવામાં ઠગાઈ કરી હતી

અને બાદમાં તે સુરત રહેવા આવી ગયો હતો. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ જનરલ સ્ક્વોડના પીએસઆઈએ તેમની ટીમને મળેલી બાતમીના આધારે વરાછા બોમ્બે માર્કેટ પાસેથી આગળ પાછળ આર્મીની નંબર પ્લેટ અને આગળના ભાગે લાલ કલરની ક્રાઈમ સર્વેલન્સ એન્ડ ઈન્ટેલીજન્સ કાઉન્સીલ લખેલી પ્લેટ સાથેની અર્ટિગા કાર અટકાવી હતી.તેમાં હાજર યુવાને પોતે કસ્ટમ અધિકારી હોવાનું જણાવી પોલીસ પર રોફ જમાવ્યો હતો.જાેકે, ક્રાઈમ બ્રાન્ચ પાસે ચોક્કસ બાતમી હતી અને તેના આધારે કારની જડતી લેતા તેમાંથી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સનું તે અધિકારી છે તેવું લખેલું સર્ટિફિકેટ, સિનિયર ઇન્સ્પેક્ટરનું બોગસ આઈકાર્ડ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સ કમાન્ડો લખેલી આર્મી જેવી વર્દી, એક એરગન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્ષીસ એન્ડ કસ્ટમ્સનો વાહન ચલાવવાનો ઓર્ડર અને બે મોબાઈલ ફોન મળ્યા હતા.

Related Posts