આણંદ-ભાલેજ રોડ ઉપર બસમાંથી ૭.૯૦ લાખના ગાંજાે પકડવામાં આવ્યો
આણંદ-ભાલેજ રોડ ઉપર મોટા મદ્રેસા નજીક લક્ઝરી બસની પાછળની સીટમાં કપડા નીચે છુપાવેલા ૭૯.૦૬ કિલો ગાંજાના જથ્થા સાથે આણંદના શખ્સને એલસીબીએ ઝડપી પાડયો હતો. ગાંજાનો જથ્થો મહેસાણાથી ભરી લાવી આણંદના બે શખ્સોને આપવાનો હોવાની કબુલાત કરતા એલસીબીએ રૂ. ૭.૯૦ લાખનો ગાંજાે જપ્ત કરી ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આણંદના ઈસ્માઈલનગર વિસ્તારમાં ગોલ્ડ સોસાયટીમાં રહેતો ફિરોજભાઈ ખલીફા લક્ઝરી બસમાં ગાંજાનો જથ્થો લાવી હાલ આણંદ-ભાલેજ રોડ ઉપર આવેલા મોટા મદ્રેસા પાસે લક્ઝરી બસ પાર્ક કરીને બેઠો હોવાની બાતમી આણંદ એલસીબીને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો કરી ફિરોજ ખલીફાને ઝડપી પાડી લક્ઝરી બસની તલાશી લેતા પાછળના ભાગે આવેલી છેલ્લી સ્લીપર સીટમાં કાપડ નીચે ઢાંકીને રાખેલા ભુરા રંગના કુલ ૧૬ પ્લાસ્ટિકના ઝભલા મળી આવ્યા હતા. જેમાં શંકાસ્પદ વનસ્પતિજન્ય માદક પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે એલસીબીએ એફએસએલની ટીમને જાણ કરતા એફએસએલની ટીમ નાર્કો કીટ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમની તપાસમાં શંકાસ્પદ પદાર્થ ગાંજાે હોવાનું ખૂલ્યું હતું. તેનું વજન કરતા ૭૯.૦૬૦ કિલોગ્રામ હોવાનું જણાયું હતું. જેથી ફિરોજની પુછપરછ કરતા આ જથ્થો દાતાર મહેસાણા ખાતેથી એક શખ્સે ભરી આપ્યો હોવાનું અને આ જથ્થો આણંદના ઈમરાન ઈશાક ઉર્ફે બાબાકી ધુમ ખલીફા અને ઈમરાન પાલવને આપવાનો હોવાની કબૂલાત કરી હતી. જેથી એલસીબીએ રૂ. ૭,૯૦,૬૦૦ની કિંમતનો ગાંજાે જપ્ત કરી ઝડપાયેલા શખ્સ સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધી ત્રણ શખ્સોને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments