વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જવાનો સંપુર્ણ રસ્તો ખુલ્લો કરવા અને ગ્રીન ઝોનને પુનઃસ્થાપિત કરવાની માંગણી : પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે
વડોદરામાં આજે મોડા-મોડા પણ ગુજરાત સરકાર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વીકાર્યું કે શહેરનું પાણી જે વિશ્વામિત્રી નદીમાં જતું હતું તેને રોકતા ગેરકાયદેસર બિલ્ડીંગો બની ગયા છે. મોડા-મોડા જાગ્યા પછી માત્ર સિલેક્ટેડ થોડી જગ્યાઓમાં ડીમોલીશન કરીને સરકાર કે કોર્પોરેશન સંતોષ ન માને. આખો અગોરા મોલ ગેરકાયદેસર છે તેવું વડોદરાના નગરજનો અને નિષ્ણાતો માને છે ત્યારે માત્ર ક્લબ હાઉસને જ તોડીને રાજી થવા જેવું નથી. વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રી નદીમાં જતું હતું, તેમાં જે કોઈ બિલ્ડીંગ નડતરરૂપ બન્યા છે તે તમામને તોડી પાડવા જોઈએ. વડોદરા શહેરના પાણીના નિકાલ માટે જે ગ્રીન ઝોન હતો તેને ભ્રષ્ટાચારથી ઝોન ચેન્જ કરીને કોંક્રીટના મોટા બિલ્ડીંગો ઉભા કરી દેવામાં આવ્યા છે તે કોઈ સંજોગોમાં વ્યાજબી નથી.
આજે ડીમોલીશન થઈ રહ્યું છે તેનો અર્થ સ્પષ્ટ છે કે તંત્રએ સ્વીકાર્યું છે કે વડોદરા શહેરના પાણીના જવાના રસ્તે ગેરકાયદેસર બાંધકામ થયા હતા તો પછી આ બાંધકામો અગાઉ શા માટે તોડવામાં ન આવ્યા ? આના માટે જવાબદારો સામે શું પગલા ભરાશે ? જે પદાધિકારીઓ અને અધિકારીઓએ ભ્રષ્ટાચારથી આવા બિલ્ડીંગો ઉભા થવા દીધા અને તેના કારણે વડોદરા શહેરના લોકોને જે હાલાકી ઉભી થઈ તેના માટે જવાબદાર સામે ક્રિમીનલ કેસ કેમ નહીં ? વડોદરાના નગરજનોએ લોકશાહી ઢબે પોતાની તાકાત બતાવી અને ભાજપના પદાધિકારીઓ, ધારાસભ્યો અને કાર્યકરોનો જબરદસ્ત બહિષ્કાર કર્યો ત્યારે માત્ર નગરજનોના રોષને શાંત કરવા દેખાવ પૂરતા ડીમોલીશનથી કશું જ ન ઉપજે. વડોદરા શહેરનું પાણી વિશ્વામિત્રીમાં જવાનો સંપુર્ણ રસ્તો ખુલ્લો કરવામાં આવે તેમજ જે ગ્રીન ઝોન હતો તેને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માંગ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે.
Recent Comments