વિકાસ સપ્તાહ – ૨૦૨૪ – વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં શરુ કરેલી વિકાસ યાત્રાની ૨૩ વર્ષની ઉજવણી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૭ ઓક્ટોબર ૨૦૦૧ના દિવસે ગુજરાતના ૧૪મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ઓક્ટોબર-૨૦૦૧થી ગુજરાતના વિકાસની વણથંભી યાત્રા શરુ થઈ તેને તા.૭ ઓક્ટોબર,૨૦૨૪ના ૨૩ વર્ષ પૂર્ણ થયા છે ગુજરાતમાં સુશાસન અને વિકાસની ૨૩ વર્ષની વણથંભી યાત્રાની ઉજવણીના ભાગરુપે અમરેલી જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે. ‘વિકાસ સપ્તાહ’ના નેજા હેઠળ યોજાનારા કાર્યક્રમોના સુચારુ આયોજન માટે અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક સંપન્ન થઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે જરુરી દિશાનિર્દેશો આપ્યા હતા. અમરેલી જિલ્લામાં તમામ કાર્યક્રમો સુચારુ રીતે થાય, વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટે ઘટતું કરવા સૂચના આપી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલિપસિંહ ગોહિલે ‘વિકાસ સપ્તાહ’ની પ્રાથમિક રુપરેખા આપી હતી અને વિવિધ કચેરીઓ દ્વારા યોજવાના થતાં કાર્યક્રમોની વિગતો જણાવી હતી. અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ દરમિયાન અમરેલી જિલ્લામાં જનભાગીદારીથી અનેકવિધ કાર્યક્રમો યોજાશે, વિવિધ થીમ આધારિત દિવસોની ઉજવણી, વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહર્ત, જનજાગૃત્તિના કાર્યક્રમો યોજાશે. શાળા-કોલેજમાં જિલ્લાના વિકાસની પ્રેરણાત્મક ગાથા રજૂ કરતા પ્રવચન, ટોક શો, વિકાસ પદયાત્રા, ભીંતચિત્રો, ભારત વિકાસ શપથ, તાલુકા કક્ષાએ વિકાસ રથના ભ્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે.આ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ, વેપારીઓ અને વિવિધ ક્ષેત્રના અગ્રણીશ્રીઓ અને નાગરિકો જોડાશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી, પ્રાંત અધિકારી સર્વશ્રી, જિલ્લાની વિવિધ કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના વિવિધ અધિકારીશ્રીઓએ વર્ચ્યુઅલી જોડાયા હતા.
Recent Comments