ગાંધીનગરમાં કારના કાચ તોડીને કીમતી સામાન ચોરી કરી જતા બે લોકોને પકડવામાં આવ્યા
ગાંધીનગર જિલ્લામાં કારના કાચ તોડીને તેમાંથી કીમતી માલસામાન ચોરી લેવાની ઘટના વધી છે ત્યારે ગાંધીનગર એલસીબી દ્વારા સેક્ટર ૨૬ પાસેથી બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ૧.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કારના કાચ તોડીને ચોરી કરવાની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં મોલ અને પાર્ટી પ્લોટ આસપાસ પાર્ક થતા વાહનોમાંથી ચોરીની ઘટનાઓ વધી હતી. ગાંધીનગરમાં ખાસ કરીને ભાટ સર્કલ અને અડાલજ વિસ્તારમાં આ પ્રકારના ગુનાઓમાં વધારો જાેવા મળ્યો હતો.
જેને લઇ ગાંધીનગર એલસીબી પીઆઇ ડી.બી વાળા દ્વારા સ્ટાફના માણસોને એલર્ટ કરીને આ પ્રકારના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે તાકીદ કરવામાં આવી હતી. જેના પગલે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે અમદાવાદ કુબેરનગર ખાતે રહેતા પ્રતિક પ્રવીણભાઈ પાનવેકર અને સતીશ લાલિયા ઈન્દ્રેકર બંનેને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી ફોન, ઘડિયાળ તેમજ માસ્ક અને કારના કાચ તોડવા માટેની હથોડી સહિતના મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો. જેમની પૂછપરછ કરવામાં આવતા તેમણે આઠ મહિના અગાઉ ચાંદખેડા પાસે કારનો કાચ તોડીને તેમાંથી ૬૦ હજાર ઉપરાંતની રોકડ અને અન્ય મુદ્દામાલ ચોરી લીધો હતો. હાલ તેમની પાસેથી ૧.૧૦ લાખ રૃપિયાના મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ શરૃ કરવામાં આવી છે. જેમાં ચોરી સંબંધિત અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતા પણ જાેવામાં આવી રહી છે. પાર્ટી પ્લોટ અને મોલ આસપાસ પાર્ક કરેલી કારને નિશાન બનાવતા હોવાની કબુલાત પણ તેમણે પોલીસ સમક્ષ કરી હતી.
Recent Comments