ગુજરાત

ઈકો ઝોન સામે ગ્રામજનો લડી લેવાના મૂડમાં, ગામદીઠ લડત સમિતિ બનાવી વિરોધની રણનીતિ ઘડશે

Junagadh: કેન્દ્ર સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં ઈકો સેન્સેટિવ ઝોન જાહેર કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં 3 જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ કરવામાં આવવાનો છે. જો કે સરકારના આ નિર્ણયનો ખુદ ભાજપના નેતાઓ જ ખુલીને વિરોધ કરી રહ્યાં છે. આ ઉપરાંત ગ્રામજનો અને ખેડૂતો પણ ઈકો ઝોનના વિરોધમાં ઉતરતાં સરકાર અને વન વિભાગ દોડતું થઈ ગયું છે.હાલ વન વિભાગ દ્વારા ઈકો ઝોનનો વિરોધ કરી રહેલા ગ્રામજનો અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેને ધારી સફળતા નથી મળી રહી.

એવામાં સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં હોય તેમ ઈકો ઝોન લડત સમિતિ બનવા લાગી છે.હાલ ઈકો ઝોનમાં આવતા ગામડાઓમાં 11-11 લોકોની કમિટી બનાવવામાં આવી છે. જ્યારે બાકી બચેલા ઈકો ઝોનમાં કમિટી બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.ઈકો ઝોનનો વિરોધ કરી રહેલા લોકોનું માનવું છે કે, આ કાયદાના કારણે ખેડૂતો વન વિભાગના ગુલામ બની જશે. આથી જો એકજૂટ નહીં રહીએ તો, સરકાર અને વન વિભાગ ઈકો ઝોન થોપી બેસાડશે. અત્યારે વિસાવદર, તાલાલા, ગીર ગઢડા, ખાંભા, મેંદરડા, માળિયા હાટીના સહિતના તાલુકામાં આવેલા ગામડાઓમાં 11-11 સભ્યોની કમિટી બનાવવામાં આવી છે. જે પોતાના તાલુકાના તમામ નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેશે. આ સાથે જ ઈકો ઝોનના વિરોધમાં જે રણનીતિ ઘડાય તેની જાહેરાત તેઓએ પોતાના ગામમાં કરવાની રહેશે.

Related Posts