વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષ પહેલા તા.૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી ધૂરા સંભાળી હતી. મુખ્યમંત્રી થી વડાપ્રધાન પદ સુધીની તેમની સફરમાં ગુજરાતનો વિકાસ કેન્દ્ર સ્થાને રહ્યો છે. રાજ્યની ૨૩ વર્ષની વણથંભી વિકાસયાત્રા વિશે જનજન સુધી જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા ઓકટોબર-૨૦૨૪ તા.૦૭ થી તા.૧૫ સુધી સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે.આ અભિયાનના ભાગરુપે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સાથે વાર્તાલાપ યોજાયો હતો.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ, અમરેલી જિલ્લાના ગાયક કલાકાર શ્રી વિમલભાઈ મહેતા, લેખક, કવિ અને કન્ટેન્ટ ક્રિએટર શ્રી અર્જુનભાઈ દવે, કોરિયોગ્રાફર શ્રી કેતનભાઈ મહેતા, શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર શ્રી કેવલભાઈ મહેતા, કન્ટેન્ટ ક્રિએટરશ્રી ઘનશ્યામભાઈ ગેડીયા, વેપારી અને કન્ટેન્ટ ક્રિએટર શ્રી અલ્તાફભાઈ લારીવાળા સાથે શિક્ષણ, આરોગ્ય, પ્રવાસન, જળ સંચય,ગ્રામ વિકાસ સહિતના વિષયો અંતર્ગત સંવાદ કર્યો હતો.
અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીમાં અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની જનકલ્યાણકારી કામગીરીને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયાની ભૂમિકા અગત્યની છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ સોશિયલ મીડિયા ચેમ્પિયન્સને રાજ્ય સરકારની વિકાસયાત્રા અને નરેન્દ્રભાઈ મોદીએ ૨૩ વર્ષમાં કરેલા વિકાસકાર્યોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવા અને પ્રસરાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સના કાર્યક્ષેત્ર અને તેમના અમરેલી જિલ્લાના વિકાસના સંભવિત ક્ષેત્રો અને વર્તમાન સિદ્ધિ વિષયક વિસ્તૃત ચર્ચા કરી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ઉમેર્યું કે, અમરેલી જિલ્લો વિકાસના પંથે છે. છેલ્લા ૨૩ વર્ષની વિકાસયાત્રામાં વિવિધ ક્ષેત્રે અમરેલી જિલ્લા સહિત રાજ્યભરમાં હકારાત્મક પરિવર્તન આવ્યું છે. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ સહાયકીય યોજનાઓ થકી અભૂતપૂર્વ અને ક્રાંતિકારી પરિવર્તનો આવ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો ઘટ્યો છે.
જિલ્લાના લાઠી તાલુકાના શ્રી ભુરખિયા હનુમાન મંદિર, ધારી સ્થિત શ્રી ખોડિયાર ધામ જેવા ધાર્મિક પ્રવાસન સ્થળોના વિકાસકાર્યો પ્રગતિ તળે છે. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે અમરેલી સ્થિત ગાયકવાડી સમયના રાજમહેલનું નવીનીકરણ કરવા માટેના પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતુ. સખી મંડળો – સ્વ સહાય જૂથના માધ્યમથી મહિલાઓની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની છે, તેમને સ્વરોજગારી અને બચત માટે પ્રોત્સાહન મળી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાનના કારણે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ બદલાયો છે. ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા નાગરિકો જાગૃત્ત થયા છે.સોશિયલ મીડિયા ચેમ્પિયન્સ સાથે સંવાદ કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્પણ ચાવડા, શ્રી દીપાબેન કોટક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી પી.આર. વાઢેર સહિતના અધિકારીશ્રી – કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments