ભાવનગર

વિકાસ સપ્તાહ-૨૦૨૪ : ભાવનગર ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.૨૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

‘વિકાસ સપ્તાહ’ ઉજવણી અંતર્ગત આજે ભાવનગરના મોતીબાગ ટાઉનહોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણીના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રૂ.૨૦૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા હતાં.જેમાં મુ્ખ્યમંત્રીશ્રીએ ચોરવડલા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજના ભાગ-૨ યોજનાનું પણ  ઇ-લોકાર્પણ કર્યું હતું. આ યોજના થકી ભાવનગર જિલ્લાના પાલીતાણાના-૫૬, ગારીયાધાર-૧૪, સિહોર-૮ અને ઉમરાળા-૩ એમ કુલ ૮૧ ગામોના આશરે ૧.૬૦ લાખ લોકોને ૧૦૦ એલ.પી.સી.ડી. મુજબ પાણી પુરવઠો આપી શકાશે. આ યોજના રૂ.૬૨.૫૬ કરોડ ગ્રોસ રકમથી નિર્માણ પામશે.

વિકાસ સપ્તાહ ઉજવણીના સમારોહમાં તળાજાના ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ પુરુષ, વૈશ્વિક નેતા,ગુજરાતના પનોતાપુત્ર તેમજ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રથી વિકાસના નવા અવસરો આપ્યાં છે. તેમાય ખાસ કરીને સૌરાષ્ટ્ર નપાણીયો વિસ્તાર એટલે કે પાણી વગરનો પ્રદેશ ગણાતો હતો તેને આજે  નર્મદાના નીર થકી હરિયાળો બનાવ્યો છે. નર્મદાથી લઈને કચ્છ સુધીના છેવાડાના વિસ્તારો સુધી નર્મદાના નીર પહોચાડીને શહેર જેવી જ સુવિધાઓ ગામડાઓમાં ઉભી કરીને ગામડાઓની કાયાપલટ કરી છે. વડાપ્રધાનશ્રીએ જળ એ જ જીવનના સૂત્રને ખરા અર્થમાં સાકાર કર્યું છે.આ અવસરે માહિતી નિયામકશ્રી દ્વારા તૈયાર કરેલ વિકાસ સપ્તાહની શોર્ટ ફિલ્મ નિહાળવાની સાથે ઉપસ્થિત સહુએ ‘વિકસિત ભારતના સંકલ્પ’ લીધા હતાં.આ તકે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત પાણી પુરવઠા યોજના કાર્યપાલક ઇજનેરશ્રી પરેશ ભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનશ્રી રાજુભાઇ રાબડીયા, ભાવનગર તાલુકા પંચાયત પ્રમુખશ્રી જશુબેન મકવાણા, શિહોર તાલુકા પંચાયત પ્રમુખશ્રી લીલાબેન મકવાણા સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts