એક સમયે સૌરાષ્ટ્રનું કાશ્મીર ગણાતા અરબી સમુદ્રના કિનારે વસેલા મહુવા શહેરની રળિયામણું નગર તરીકે છાપ હતી. પરંતુ નબળી નેતાગીરીના પાપનો લૂણો લાગી જતાં મહુવામાં ગંદકી, ગંદવાડનું સામ્રાજ્ય ખડકાયું છે. આ ઉપરાંત રોડ-રસ્તા, પાણીની લાઈન લીકેજ, ઉભરાતી ગટર સહિતના અનેક પ્રશ્નોથી નાગરિકો પીડાઈ રહ્યા છે. તેમ છતાં સરકારી અધિકારીઓ કે જનતાના મતે ચૂંટાયેલા અને પોતાને જનતા સેવક ગણાતા નેતાઓના પેટનું પાણી હલતું નથી. મહુવાને વિકાસની ઉંચાઈએ લઈ જવાના બદલે અધોગતિ તરફ ખેંચી જવાના પરિબળોમાં ભાજપના જૂથવાદની આંતરિક ટાંટિયા ખેંચ પણ જવાબદાર છે. મહુવા શહેરમાં પ્રવેશતા જ માલણ નદીના કિનારે લીલાછમ નાળિયેરીના વૃક્ષોનો અદ્ભૂત નજારો સામે આવતો હતો. પરંતુ હાલના સમયમાં નેતાઓના પાપે મહુવાની હાલત ખૂબ જ દયનિય થઈ ગઈ છે.
શહેરમાં પ્રવેશતા જ માલણ નદીની હાલત જાેઈ એવું લાગે છે કે, આખાય શહેરનો ગંદવાડ અહીં જ ઠાલવવામાં આવી રહ્યો છે અને તંત્ર પણ ગંદકીના સામ્રાજ્યનું સહભાગી છે, એટલે અહીં કોઈએ કચરો નાંખવો નહીં, આપ સૌ સીસીટીવી કેમેરાની નજરમાં છો, તેવું બોર્ડ મુકી હાશકારો લઈ લીધો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ તો ખૂબ જ દયનિય છે. મૃત પશુઓ અને કચરાના મસમોટા ઢગલાથી નદીનો પટ ઢંકાઈ ગયો છે. કચરો નહીં નાંખવાનો એવી સુચના મુકનારા તંત્રે આજદિન સુધી શું એકપણ વ્યક્તિ સામે કાર્યવાહી કરી છે ? તેવો પ્રશ્ન ઉદ્દભવવો સ્વાભાવિક છે. તંત્ર માત્ર તમાશો જ જાેઈ રહ્યું છે. તે કેટલા અંશે વ્યાજબી છે ? મહુવામાં ગંદકીની સાથે બીજા પ્રશ્નો પણ કાયમી છે.
જેમાં રોડ-રસ્તા, પાણી-ગટરની લાઈન તેમજ સફાઈ વગેરે બાબતોમાં સામાન્ય જનતા ગળે આવી ગઈ છે. આ બાબતે નગરસેવકોને રજૂઆત કરવામાં આવે ત્યારે નગરપાલિકામાં અમારૂં ચાલતું નથી, કોઈ સાંભળતું નથી, અમારા કામ પાસ કરાતા નથી તેવા જવાબો આપી હાથ ખંખેરી લેવામાં આવે છે. જેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે, મહુવા ન.પા.માં ભાજપનું શાસન હોવા છતાં તેમના જ નગરસેવકોનું નગરપાલિકામાં કંઈ ચાલતું નથી. વળી, મહુવાની અધોગતિ પાછળના મુખ્ય કારણમાં ભાજપમાં જ આંતરિક વિખવાદ છે, ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો બે ભાગલામાં વેચાઈ ગયા છે. એક જૂથ જિલ્લા પ્રમુખ પડખે છે તો બીજું જૂથ ધારાસભ્યના ખેમામાં હોવાથી લોકોના પ્રાણ પ્રશ્નો ટલ્લે ચડી રહ્યા હોવાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. ત્યારે જાે ગંદકી, પાણી, રોડ-રસ્તા, ગટર, ઉકરડા સહિતના પ્રાણ પ્રશ્નો બાબતે રાજકીય નેતાઓ-પક્ષો ગંભીરતા નહીં દાખવે તો આગામી નગરપાલિકાની ચૂંટણીમાં મહુવાવાસીઓ તેનો જવાબ આપશે તેવું રોષ સાથે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Recent Comments