શું તમે નથી ઈચ્છતા કે ભારત સેક્યુલર રહે? SCએ બંધારણમાંથી ‘સમાજવાદ’, ‘સેક્યુલારિઝમ’ને હટાવવાના મુદ્દે પૂછ્યા પ્રશ્નો
ભારતીય બંધારણની પ્રસ્તાવનામાંથી ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દો હટાવવાની અરજીને આંચકો લાગ્યો છે. એક સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બંધારણમાંથી આ બે શબ્દોને હટાવવાની માંગ કરતી અરજી પર કડક ટિપ્પણી કરી છે અને સુનાવણીની તારીખ લંબાવી છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ એડવોકેટ વિષ્ણુ શંકર જૈનને પૂછ્યું – શું તમે નથી ઈચ્છતા કે ભારત ધર્મનિરપેક્ષ દેશ રહે? સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે ‘સમાજવાદ’ અને ‘સેક્યુલરિઝમ’ શબ્દોની આજે અલગ-અલગ અર્થઘટન છે. આપણી અદાલતોએ પણ વારંવાર આને મૂળભૂત માળખાના ભાગ તરીકે જાહેર કર્યું છે. આ ટિપ્પણી બાદ કોર્ટે કેસની સુનાવણી ૧૮ નવેમ્બર સુધી લંબાવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે પ્રસ્તાવનામાં આ શબ્દો ઉમેરવા એ કલમ ૩૬૮ હેઠળ સંસદને આપવામાં આવેલી બંધારણીય સુધારાની સત્તાની બહાર છે.
સુનાવણી દરમિયાન અરજદાર સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે બંધારણની પ્રસ્તાવનામાં કરવામાં આવેલા ફેરફારો મૂળ બંધારણની ભાવના વિરુદ્ધ છે. સ્વામીએ કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ તેમની દલીલ વિગતવાર રજૂ કરવા માગે છે. આ પછી જ કોર્ટે સુનાવણીની તારીખ લંબાવી. રાજ્યસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ વિષ્ણુ શંકર જૈન બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા જેવા શબ્દોને હટાવવાની માંગ કરી રહ્યા છે.
છેલ્લી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ આ મામલે ચર્ચા કરી હતી. જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું હતું કે જ્યારે બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે આ બે શબ્દો મૂળ સ્વરૂપમાં નહોતા. અરજદાર સુબ્રહ્મણ્યમ સ્વામીની દલીલ છે કે પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય નહીં. તેથી તેમાં કરાયેલો સુધારો પાછો ખેંચવો જાેઈએ. તેમણે કહ્યું કે તે ૧૯૭૬માં ૪૨મા સુધારા કાયદામાં પસાર કરવામાં આવ્યો હતો. આ બે શબ્દો ૧૯૪૯ના બંધારણની મૂળ પ્રસ્તાવનામાં ન હતા.
Recent Comments