સુરતમાં ભેસ્તાનમાં બ્રીજના ડિવાઇડર સાથે બાઇક ભટકાતા બે લોકોનું મોત
સુરતમાં માર્ગ અકસ્માતના ચાર બનાવમાં ભેસ્તાનમાં બ્રીજની ડિવાઇડર સાથે બાઇક ભટકાતા ઇજા પામેલા બે મિત્રો પૈકી કોલેજીયનનું મોત નીંપજયું હતું. બીજા બનાવમાં પાંડેસરામાં અજાણ્યા વાહને ટક્કર મારાતા ગંભીર ઇજા થતા આધેડનું મોત થયુ હતું. ત્રીજા બનાવમાં કાપોદ્રામાં ડમ્પરે અડફેટે લેતા ગંભીર ઇજા થતા યુવાનનું ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. ચોથા બનાવમાં સરથાણા રોડ પર અઠવાડીયા પહેલા બાઇકે અન્ય બાઇક ભટાકાતા ઇજા પામેલા યુવાનનું સારવાર દરમિયાન ગત સાંજે મોત થયુ હતું.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ ભેસ્તાનમાં પ્રિયંકા ગ્રીન પાર્કમાં રહેતો ૧૮ વર્ષીય અભય ઉર્ફે બાલકિશન મુલચંદ્ર નિશાદ અને તેનો મિત્ર નીંરજ શાહ સાથે બાઇક પર ગત સાંજે કામ અર્થે જતા હતા. તે સમયે ભેસ્તાન ત્રણ રસ્તા પાસે ઓવર બ્રીજ ઉપર બાઇક ડિવાઇડર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને મિત્રોને ઇજા થતા સારવાર માટે તરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ફરજ પરના ડોકટરે બાલકિશનને મૃત જાહેર કર્યો હતો. જયારે તેના મિત્રને પગમાં ફેકર્ચર હોવાનું જાણવા મળ્યુ હતું. જયારે બાલકિશન મુળ ઉતરપ્રદેશમાં બાંદાનો વતની હતો. તે ઉધના ખાતેની સિટીઝન કોલેજમાં બી.કોમના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો.
તેના બે ભાઇ અને એક બહેન છે. તેના પિતા મિલમાં નોકરી કરતા હતા. બીજા બનાવમાં પાંડેસરામાં વડોદગામમાં ગણેશનગરમાં રહેતો ૪૫ વર્ષીય અશોક રામપ્રસાદ યાદવ ગત રાતે કામેથી પગપાળા ઘર તરફ જવા નીકળ્યો હતો. ત્યારે પાંડેસરામાં કમલા ચોક પાસે અજાણ્યા વાહનચાલકે તેને ટક્કર મારતા ઇજા થઇ હતી. જેથી તેને સારવાર માટે ૧૦૮માં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.જયારે અશોક મુળ ઉતરપ્રદેશમાં બાંદાનો વતની હતો. તેને ચાર સંતાન છે. તે સિલાઇ મશીન પર કામ કરતો હતો. ત્રીજા બનાવમાં કડોદરામાં શ્રીનિવાશ સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષીય જાનસિંગ બાબુ મુનિયા ગત સાંજે કાપોદ્રામાં ગીરનાર રોડ શ્રીનાથજી ફાર્મ પાસેથી ચ્હા પીને પગપાળો કામે જતો હતો.
તે વેળાએ ડમ્પર ચાલકે તેને અડફેટે લેતા ગંભીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. તે મુળ મધ્યપ્રદેશમાં જાંબવાનો વતની હતો. તેને ૩ સંતાન છે. તે બાંધકામ સાઇટ પર મજુરી કામ કરતો હતો. ચોથા બનાવમાં વરાછામાં લંબે હનુમાન રોડ નિલકંઠ સોસાયટીમાં રહેતો ૩૮ વર્ષીય ગીરીશ વલ્લભભાઇ ચુડાસમા ગત તા.૨૦મીએ બપોરે બાઇક પર યોગીચોકથી ઘરે તરફ જવા નીકળ્યો હતો. તે સમયે સરથાણામાં કિરણ ચોક પાસે અન્ય બાઇક સાથે બાઇક ભટકાતા અકસ્માત થયો હતો. જેમાં ગીરીશને ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જયાં ગત સાંજે તે મોતને ભેટયો હતો. જયારે તેને ૩ સંતાન છે. તે રત્નકલાકારનું કામ કરતો હતો.
Recent Comments